દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યા બાદ નીચે ઉતરી રહેલા બે ભારતીય પર્વતારોહકોના અતિશય થાક અને પ્રતિકૂળ હવામાનના કારણે મોત નિપજ્યા છે. આ બે પર્વતારોહકોમાંથી એક એવા સાહસવીર હતા જેમણે બે દિવસ પહેલા જ એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા એવરેસ્ટ સર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી ટીમમાં ભાગ લીધો હતો.
નેપાળ તરફથી માઉન્ટ એવરેસ્ટના સફળ આરોહણ બાદ નીચે ઉતરી રહેલા બે ભારતીય પર્વતારોહકો અરુણ કુમાર તિવારી અને સંદીપ અરેનું નિધન થયું છે. નેપાળના એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીએ શુક્રવારે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
ગાઈડના અથાગ પ્રયત્નો છતાં ન બચી શક્યા જીવ
સત્તાવાર માહિતી અનુસાર, બંને ભારતીય પર્વતારોહકો 8,848.86 મીટર ઊંચા શિખર પર પહોંચી ગયા હતા, પરંતુ ત્યાંથી પાછા ફરતી વખતે તેઓ અતિશય થાકી ગયા હતા અને શરીરમાં ઉર્જા ખતમ થઈ ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, સંદીપ અરે બુધવારે અને અરુણ તિવારી ગુરુવારે સાંજે આશરે 5:30 વાગ્યે એવરેસ્ટની ટોચ પર પહોંચ્યા હતા.
નીચે ઉતરતી વખતે તેમની તબિયત લથડતા સ્થાનિક શેરપા ગાઈડોએ તેમને બચાવવા માટે ભારે મહેનત કરી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. સંદીપ અરેનું અવસાન ગુરુવારે થયું હતું, જ્યારે અરુણ તિવારીના મોતના ચોક્કસ સમય અંગે હજી તપાસ ચાલી રહી છે.
બુધવારે જ બન્યો હતો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
આ દુર્ઘટનાના બે દિવસ પહેલા જ એવરેસ્ટ પર એક અદભુત ઈતિહાસ રચાયો હતો. બુધવારે નેપાળ તરફથી 3 ભારતીય સહિત કુલ 274 પર્વતારોહકો એક જ દિવસમાં એવરેસ્ટની ટોચ પર પહોંચ્યા હતા. માઉન્ટ એવરેસ્ટના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો શિખર પર પહોંચ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી અને તે એક નવો વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
આ વર્લ્ડ રેકોર્ડ બનાવનારી ટીમમાં દિવંગત સંદીપ અરે ઉપરાંત અન્ય બે ભારતીય પર્વતારોહકો તુલસી રેડ્ડી પાલપુનૂરી અને અજય પાલ સિંહ ધાલીવાલ પણ સામેલ હતા. આ રેકોર્ડના બીજા જ દિવસે એટલે કે ગુરુવારે, ભારતના અન્ય એક મહિલા પર્વતારોહક લક્ષ્મીકાંતા મંડલ પણ એવરેસ્ટ સર કરવામાં સફળ રહ્યા હતા.
વસંત ઋતુમાં રેકોર્ડ પરમિટ
ઋષિ ભંડારીએ જણાવ્યું હતું કે બુધવારે શિખર સર કરનારા 274 લોકોમાં 150 નેપાળી શેરપા ગાઈડ પણ સામેલ હતા. વસંત ઋતુ 2026 માં નેપાળ સરકાર દ્વારા રેકોર્ડબ્રેક 502 પર્વતારોહકોને એવરેસ્ટ ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, એક તરફ આ સિઝન રેકોર્ડ સફળતા માટે યાદ રાખવામાં આવશે, તો બીજી તરફ આ બે ભારતીય સાહસવીરોના મોતના કારણે પર્વતારોહણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.