BREAKING NEWS

રાજકોટ રેન્જનો સપાટોઃ 65થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગર ડબલીના બે સાગરીતો ઝડપાયા

  • June 21, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર  અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમે એક મોટી સફળતા મેળવી છે. અગાઉ 'પાસા' તેમજ હદપારીનો સામનો કરી ચૂકેલા જેતપુરના કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયાના બે સાગરીતોને પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે દબોચી લીધા છે.  


બાતમીના આધારે જેતપુર ફુલવાડી ઢોરા પાસેથી ફિલ્મી ઢબે ઝડપાયા

રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.સી. મીયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતી.  તે દરમિયાન દિવ્યેશભાઇ સુવા, શિવરાજસિહ ઝાલા અને નિકુલભાઇ પંપાણીયાને ચોક્કસ અને સચોટ હકિકત મળી હતી. આ બાતમીના આધારે પો.સ.ઈ. મીયાત્રા તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિહ જાડેજા સહિતની ટીમે જેતપુર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફુલવાડી ઢોરા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ નંબર વગરની હોન્ડા અમેઝ કારને અટકાવી પોલીસે તેની તલાશી લીધી હતી.


૧,૨૦૦ બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ.૪.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કારની ડીકી અને પાછળના ભાગે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની નાની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી (૧) વસીમભાઇ ઇકબાલભાઇ સોલંકી અને (૨) વિશેષ ભુપેશભાઇ પરમાર (બંને રહે. ચાંદની ચોક, જેતપુર) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧,૫૦,૦૦૦ની કિંમતની કુલ ૧,૨૦૦ નંગ ઇંગ્લીશ દારૂની બોટલો, રૂ.૩,૦૦,૦૦૦ની હોન્ડા અમેઝ કાર અને રૂ.૧૫,૦૦ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


મુખ્ય સૂત્રધાર અનીલ ઉર્ફે ડબલી સામે ગુનાઓનો પહાડ: પોલીસ શોધખોળ ચાલુ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલો દારૂનો આ જથ્થો જેતપુરની બાપુની વાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયાએ સપ્લાય કર્યો હતો. મુખ્ય આરોપી અનીલ ઉર્ફે ડબલી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેની સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, જુગાર ધારા, મારામારી (IPC ૩૨૪, ૩૫૪) અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ સહિતના કુલ 65થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ પાંચ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે અને એકવાર હદપાર પણ થયો છે.


હાલમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નાસી છૂટેલા મુખ્ય સૂત્રધાર અનીલ ઉર્ફે ડબલીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application