BREAKING NEWS

જામનગર: શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો

  • August 07, 2026 10:18 AM 

જામનગર: શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો

એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે રાજ્ય સરકારની નેમ- શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા

2030 સુધીમાં ડ્રોપઆઉટ દરને શૂન્ય સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ

જામનગર જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો 4.75 ટકાથી ઘટીને 1.80 ટકા થયો

શાળા છોડી ગયેલા બાળકોના પુનઃપ્રવેશ માટે શિક્ષણ વિભાગના કર્મયોગીઓ અને સંસ્થાઓનું મંત્રી દ્વારા સન્માન કરાયું

જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર સફળતા મળી છે.

તેમણે જણાવ્યું હતું કે બાલવાટિકાથી ધોરણ-12 સુધી વિદ્યાર્થીઓના નોંધણી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સમયે માત્ર 76 ટકા રહેલો એનરોલમેન્ટ દર આજે વધીને 99.99 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે રાજ્યનો ડ્રોપઆઉટ દર 37 ટકાથી ઘટીને માત્ર 2.37 ટકા રહ્યો છે. હવે વર્ષ 2030 સુધીમાં આ દરને શૂન્યની નજીક પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વિપરીત પરિસ્થિતિના કારણે જો કોઈ બાળક શિક્ષણ અધવચ્ચે છોડે તો સરકાર વાલી બની તેની સાથે ઉભી રહેશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજ, વાલીઓ અને નાગરિકોની સહભાગિતા પણ એટલી જ જરૂરી છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આવનારી પેઢી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરશે.

જામનગર જિલ્લાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાનો વર્ષ 2022-23નો ડ્રોપઆઉટ રેશિયો 4.75 ટકા હતો, જે આજે ઘટીને માત્ર 1.80 ટકા રહ્યો છે. આ સિદ્ધિ બદલ તેમણે સમગ્ર શિક્ષણ વિભાગ, શિક્ષકો અને સંબંધિત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બ્રિજ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિત વિવિધ શૈક્ષણિક યોજનાઓ દ્વારા બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રહે તે માટે પ્રયાસશીલ છે. ઉપરાંત, આગામી સમયમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર સક્રિયપણે કામગીરી કરી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ તથા સમરસ વિદ્યા સેતુ જેવા કાર્યક્રમોના પરિણામે ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો આ અભિયાન વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી રાજ્ય સરકારની શિક્ષણલક્ષી નીતિઓ અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી.કાર્યક્રમ દરમિયાન શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શાળામાં જોડવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું રાજ્ય શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવભાઈ ગઢવીએ કર્યું હતું.

કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિરલબેન માકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિનભાઇ પટેલ, અગ્રણી બીનાબેન કોઠારી, ડૉ. વિનુભાઈ ભંડેરી, ચંદ્રકાંતભાઈ ખાખરીયા,હસમુખભાઈ હિંડોચા સહિતના મહાનુભાવો, અન્ય વિવિધ સંઘના પ્રમુખ તથા હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો, શિક્ષકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application