BREAKING NEWS

તમારા બાળકોમાં આ લક્ષણો દેખાય તો સાવધાન, ગુજરાતમાં ફરી ઘાતક વાયરસની એન્ટ્રી, પંચમહાલમાં બે માસુમને ભરખી ગયો

  • July 07, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ એક તરફ મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ ગંભીર રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ જીવલેણ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોના મોત નિપજ્યા હોવાની અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે. બંને બાળકોના બ્લડ સેમ્પલ વડોદરા ખાતે તપાસમાં પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. એક જ તાલુકામાં બે મોતના પગલે સમગ્ર જિલ્લામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


તીવ્ર તાવ અને ખેંચ જેવા ગંભીર લક્ષણો દેખાયા

મળતી વિગતો અનુસાર, ગોધરા તાલુકાના વિંઝોલ ગામ અને જીતપુરા વિસ્તારના સરદાર ફળિયામાં રહેતા બે બાળકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવ્યા હતા. આ બંને બાળકોને પ્રાથમિક તબક્કે અચાનક તીવ્ર તાવ આવ્યો હતો અને તેની સાથે શરીર પર આંચકી (ખેંચ) આવવાના ગંભીર લક્ષણો દેખાયા હતા. બાળકોની તબિયત સતત લથડતી જોઈને ચિંતાતુર બનેલા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં બંને બાળકોની સ્થિતિ વધુ ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ તેમને વધુ હાઈસ્કિલ અને ઇમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.


વડોદરા હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ અને કરૂણ મોત

વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તબીબોએ તાત્કાલિક તેમના બ્લડ સેમ્પલ લઈને સ્પેશિયલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. લેબોરેટરીમાંથી આવેલા સત્તાવાર રિપોર્ટમાં બંને બાળકો 'ચાંદીપુરા પોઝિટિવ' હોવાનું કન્ફર્મ થયું હતું. બાળકો વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવતા જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટેના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, વાયરસની તીવ્રતા એટલી વધારે હતી કે તમામ તબીબી પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા અને બંને સંક્રમિત બાળકોનું સારવાર દરમિયાન જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

એક જ તાલુકાના બે અલગ-અલગ ગામોમાં ચાંદીપુરા વાયરસથી બાળકોના મોતના પગલે પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દીધી છે. આ જીવલેણ વાયરસ અન્ય બાળકોમાં વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા સ્થાનિક સ્તરે વિંઝોલ અને જીતપુરા ગામના તમામ ઘરોમાં જઈને બાળકોનું સઘન સ્ક્રીનીંગ અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, જેથી જો અન્ય કોઈ બાળકમાં આવા સામાન્ય લક્ષણો પણ હોય તો તેનું વહેલા નિદાન કરીને તાત્કાલિક સારવાર આપી શકાય.


રેતીની માખી (Sand Fly) થી ફેલાય છે વાયરસ:

તબીબોના જણાવ્યા અનુસાર, આ વાયરસ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી 'સેન્ડ ફ્લાય' એટલે કે રેતીની માખી કરડવાથી ફેલાય છે. આથી, આરોગ્ય ટીમો દ્વારા બંને ગામના કાચા મકાનો, પશુઓના કોઢ અને ફળિયામાં જંતુનાશક માલથિયનની દવાનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.


ગ્રામજનોને સાવચેત રહેવા તંત્રની અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના લોકોને ખાસ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. લોકોને પોતાના ઘરની આસપાસ ચોખ્ખાઈ અને સ્વચ્છતા રાખવા, પાણી ભરાઈ ન રહેવા દેવા તેમજ કાચા મકાનોની આસપાસ સ્વચ્છતા જાળવવા જણાવાયું છે. આ સાથે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ બાળકમાં તીવ્ર તાવ, ઉલટી, માથાનો દુખાવો કે ખેંચ જેવા લક્ષણો દેખાય, તો સામાન્ય તાવ સમજીને ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલે વિલંબ કર્યા વિના તરત જ નજીકના સરકારી દવાખાના અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી સમયસર બાળકનો જીવ બચાવી શકાય.


ચાંદીપુરા વાયરસન મુખ્ય લક્ષણો

અચાનક ખૂબ જ ઊંચો તાવ (હાઈગ્રેડ ફીવર)

માથામાં તીવ્ર દુખાવો અને અશક્તિ લાગવી

અતિશય ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવો થવો

આંચકી આવવી (ફિટ્સ)

આંખો લાલ થવી

બાળક બેભાન થવું અથવા કોમામાં સરી પડવું


કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application