BREAKING NEWS

પોરબંદરનું પીલાણું માધવપુર નજીક પલટી જતા બે માછીમારના નિપજ્યા મોત

  • October 01, 2025 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પીલાણું ટેકનીકલ ખામીને લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલટી ખાઈ જતા બે માછીમારોના મોત થયા છે જ્યારે ત્રણ ખલાસીઓનો બચાવ થયો છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના જયેશભાઈ કાનજીભાઈ ગોહેલનું જય ખેતલીયા દાદા નામનું પીલાણું ફિશિંગ માટે પાંચેક દિવસ પહેલા રવાના થયું હતું અને તેમાં પાંચ ખલાસીઓ મૂળ દ્વારકાના શશીભાઈ નાથુભાઈ સોલંકી (ઉંમર વર્ષ:૫૨) ધામરેજ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉંમર વર્ષ: ૫૩), ધામરેજ ના હાજાભાઇ લાખાભાઈ લોઢારી (ઉંમર વર્ષ ૫૪) કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી (ઉંમર વર્ષ: ૪૬) મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ: ૪૮) માછીમારી માટે રવાના થયા હતા અને ૨૬ તારીખે રવાના થયા બાદ તેઓ નું પીલાણું માધવપુર નજીક હતું ત્યારે કોઈ કારણોસર ટેકનિકલ ક્ષતિ સર્જાઇ હતી એન્જિનમાં ખામી અને પેટ્રોલ ખલાસ થઈ જતા તેમનું પીલાણું આમતેમ ફંગોળાવા લાગ્યું હતું. આથી ખલાસીઓએ તેને કાંઠે લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને અંતે માધવપુર અને પાતા વચ્ચેના દરિયામાં પીલાનું પલટી ખાઈ ગયું હતું અને પાંચે પાંચ ખલાસીઓ તોફાની દરિયામાં ઉછળતા મોજા વચ્ચે બચવા માટેની કોશિશ કરવા લાગ્યા હતા.
ત્યારબાદ લગભગ બે કલાક સુધી દરિયાના તોફાની મોજા સાથે બાથ ભીડીને હાજા લોઢારી, તુલસી પાંજરી અને સંજય ચૌહાણ પાતા નજીક કાઠે આવી ગયા હતા જ્યારે બે ખલાસીઓ શશીભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૫૨) અને મંગાભાઈ ચાવડા બ્ઉંમર વર્ષ ૫૩) બંને દરિયા સામે બાથ ભીડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે અંતે હિંમત હારી ગયા હતા અને સમુદ્રમાં ડૂબી ગયા હતા.
બીજી બાજુ પીલાણાના માલિક જયેશભાઈ કાનજીભાઈ ગોહેલ ને જાણ કરવામાં આવતા તેઓએ ફોન ઉપર સંપર્કની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. વાયરલેસ અને મોબાઇલથી પણ કોશિશ કરવામાં આવી હોવા છતાં સફળતા મળી ન હતી. તેઓ માધવપુર નજીક હોવાનું અન્ય ફિશિંગ બોટોના ખલાસિઓ દ્વારા જાણવા મળ્યું હતું તેથી એ બાજુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરવામાં આવતા પહેલા ફોન લાગ્યો હતો અને ત્યારબાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો.
આથી તેઓ માધવપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં તપાસ માટે દોડી ગયા હતા અને કલાકો સુધી શોધખોળ કરી હતી એ દરમિયાન પાતા નજીક તેમનું પીલાણું અને એક ખલાસીની લાશ મળી હતી આથી માધવપુર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ એ જ વિસ્તારમાંથી બીજા ખલાસી નો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
બીજી બાજુ તોફાની મોજા વચ્ચે ફસાયેલા અન્ય ત્રણ ખલાસીઓએ બે કલાક સુધી દરિયા સામે બાથ ભીડી લઈને પોતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી અને કાંઠે આવ્યા બાદ નજીકમાં આવેલ હોટલના ધાબામાંથી પરિવારના સ્વજનને જાણ કરતા તેમના દ્વારા પીલાણાના માલિકને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બે વ્યક્તિઓના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે બચી ગયેલા ત્રણ ખલાસીઓને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બનાવની જાણ થતા માછીમાર આગેવાન જીવનભાઈ જૂગી સહિત અન્ય અગ્રણીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસની તથા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News