BREAKING NEWS

રાજકોટમાં 11 વર્ષના બાળકને બે શખસોએ તાવીથા વડે ડામ દીધા!

  • September 24, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના પુનિતનગર પાસે 11 વર્ષના બાળકને છાતી અને પેટના ભાગે બે શખસોએ ગરમ તાવીથા વડે ડામ દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરીમાં ક્રિકેટ રમતા બાળકોએ સાથે રમવા દેવાની ના પાડતા ઉશ્કેરાયેલી બેલડીએ માસુમ બાળકને ઉઠાવી ઘરે લઇ જઇ તાવીથો ગરમ કરી માસુમને ચાર વાર ડામ આપ્યો હતો. બાળકે ઘરે જઈને માતા સમક્ષ આપવીતી વર્ણવતા તાલુકા પોલીસે બંન્ને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


મૂળ પાટણના શંખેશ્વરના વતની અને હાલ રાજકોટના પુનિતનગર નજીક વિશ્વકર્મા સોસાયટી શેરી નં.20 માં રહેતા નીતાબેન રાકેશભાઈ કુવરીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવઘણ જીલુભાઈ કુવરીયા(રહે.અમદાવાદ) અને હાર્દિક મહેશભાઈ દંતાણી (રહે. રાજકોટ) ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરીવારમાં પતિ રાકેશભાઈ છે. જયારે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં સૌથી મોટી પુત્રી જાનવી (ઉવ 13), પુત્ર જયેશ(ઉવ 11) અને જયદીપ(ઉવ 11) છે. પતિ ભંગારનું કામ કરે છે.


ગઇ તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારના સાત વાગ્યે ફરિયાદીના બન્ને દિકરાઓ પુનીતનગર પાસે શાળમાં અભ્યાસ માટે ગયા હતાં. શાળાએથી બપોરના આશરે સાડા બાર વાગ્યે ઘરે પરત આવ્યા હતા. સાંજના સાત વાગ્યે જયેશ ઘરની બહાર શેરીમાં ક્રીકેટ રમવા માટે ગયો હતો. રાતના આશરે આઠ વાગ્યે જયેશ ક્રીકેટ રમીને પરત ઘરે આવ્યો હતો. પરિણીતાએ દિકરા જયેશને જમવાનુ કહેતા જયેશે દુધ આપવાનુ કહ્યું હતું અને બાદ તે સુઇ ગયેલ હતો. બીજા દિવસે તા. ૦૮/૦૬/૨૦૨૫ ના રોજ સવારના સાત વાગ્યે સ્કુલે જવાનુ હોય જેથી કપડા બદલાવતી વખતે જયેશના પેટના ભાગે ડામના નિશાન જોયા હતા. જે બાબતે પુત્ર જયેશને પૂછતાં તેણે કહ્યું હતું કે, ગઇ કાલે સાંજના સાત વાગ્યે હું અને દિવ્યેશ શેરીમાં ક્રીકેટ રમતા હતા. ત્યારે નવઘણ તથા હાર્દિક આવેલા અને નવઘણે કહ્યું હતું કે, મને ક્રીકેટનો એક બોલ રમવા દે જેથી મેં ના પાડી દીધી હતી. બાદ નવઘણે મને તેના બે પગની વચ્ચે દબાવી દીધેલ અને હાર્દીકે કહેલ કે, આને મારા ઘરે લઇ લે, જેથી નવઘણ મને ઘર પાસેથી ઉંચકીને હાર્દીકના ઘરે લઇ ગયો હતો. હાર્દીકે તેના ઘરમાં જઈ તાવીથો ગરમ કરેલ હતો અને નવઘણે ગરમ તવીથાથી મને છાતીના ભાગે ચાર વખત ડામ આપેલ હતો. મે રાડ પાડતા બંને શખ્સોએ મને મુકી દેતા હું ભાગીને ઘરે આવી ગયેલ હતો. જેથી પરિણીતા પુત્રને સારવાર અર્થે લઇ ગયેલ હતો. બાદ પરિણીતાએ બનાવ અંગે પરિજનોને જાણ કરી હતી.


જે તે સમયે હાર્દિકના પિતાએ સમાધાનની વાત કરતા પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ ઘટનાને એક વર્ષથી વધુનો સમય વીતવા છતાં સમાધાન નહીં થતાં અંતે પરિણીતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ 137(2), 118(1), 54 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application