અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પાંચ ગામોના ખેડૂતો દ્વારા નગરપાલિકાના દૂષિત અને આસપાસની કંપનીઓના કેમિકલયુક્ત પાણીની સમસ્યાને લઈને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા છે અને આજે ધોળકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કેમિકલયુક્ત પાણી બંધ કરાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ આંદોલનમાં જોડાયા હતા.
ખેડૂતો અને સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ, પીસાવાડા અને પાલડી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ધોળકા એપીએમસી ચોકડી ખાતે એકઠા થયા હતા. છેલ્લા ૧૫ વર્ષથી કેમિકલયુક્ત દૂષિત પાણીના કારણે ૧૦ હજાર એકરથી વધુ ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે. એક સમયે 'ફૂલોની નગરી' તરીકે ઓળખાતા આ ગામો આજે ઉજ્જડ બની ગયા છે. આ ઉપરાંત ઝેરી પાણીના કારણે અનેક લોકોને ચામડીના ગંભીર રોગો થવા સાથે કેન્સર જેવી બીમારીથી મોત થયા હોવાના ગંભીર આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ પાંચેય ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને સરકારને જગાડવા માટે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું હતું. ખેડૂતોના આ આંદોલનને વિભિન્ન ક્ષેત્રોના આગેવાનો અને રાજકીય નેતાઓ તરફથી પણ સમર્થન સાંપડ્યું હતું. ખેડૂતોના બંધના એલાન અને રેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા હતા. કોઈ અણબનાવ ન બને તે માટે ત્રાંસદ ચોકડી અને ધોળકા એપીએમસી ચોકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.