BREAKING NEWS

છરીના ઘા ઝીંકતા સુરેશ 10 ફૂટ દૂર ઢળી પડ્યો, સુરતમાં રત્નકલાકારની બેરહેમીપૂર્વક હત્યા, મૃતક ઉપલેટાનો વતની

  • October 16, 2025 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીનું વેકેશન પડતા રત્નકલાકાર કારખાનેથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા બે શખ્સોએ આંતરી તેને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા. આથી રત્નકલાકાર લોહીલૂહાણ હાલતમાં ચાલી રહ્યો હતો પણ 10 ફૂટ દૂર જ ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ પ્રાણ ત્યાગી દીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. 


મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. એક દસ વર્ષનો દીકરો છે અને એક આઠ વર્ષનો દીકરો છે. સુરેશ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે દિવાળીનું વેકેશન પડતા ઘરે આવી રહ્યો હતો અને બે શખ્સોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.


સુરેશ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યો 

સુરેશના માતા-પિતાનાં નાનપણમાં જ અવસાન થઈ ચૂક્યાં હતાં, જેથી પરિવારમાં સુરેશ મોભી હતો. ગતરોજ સવારે સુરેશ ટિફિન લઈને કામ પર ગયો હતો. દિવાળી વેકેશન પડવાનું હોવાથી ગત રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું. સુરેશ બાઈક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન કાપોદ્રાના હિંમતનગર ખાતેથી પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખસે તેમને રોક્યો હતો. દરમિયાન જાહેરમાં રોડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશને બે શખ્સો પૈકી એકે છરીના બે ઘા મારી દીધા હતા, જેથી સુરેશ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યો હતો. આ સાથે બંને શખ્સો ફરાર થઈ ગયા હતા.


ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા 

જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. અસુરા, ડીસીપી આલોકકુમાર, ડીસીપી રાઘવ જૈન અને બે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


સુરેશને થોડું વાગ્યું છે, જેથી તેમને હોસ્પિટલ લઈ ગયા છે

સુરેશભાઈ અંગે તેના સંબંધીઓએ ઓળખ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશનાં પરિવારજનોને તેમના મોત અંગે રાત્રે જાણ કરવામાં આવી ન હતી. સુરેશનાં પત્ની દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે સુરેશને થોડું વાગ્યું છે, જેથી તેમને હોસ્પિટલ લઈ ગયા છે. ટેન્શનની કોઈ વાત નથી. હાલ સવારે તેમનાં પરિવારજનોને સુરેશના મોત અંગે જાણ કરવામાં આવી હતી.


બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરેશના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને સમગ્ર પરિવારે તેમનો આધારસ્તંભ ગુમાવતાં શોક છવાઈ ગયો છે. પરિવારમાં કમાનાર કહો કે આધાર કહો તો એ સુરેશ હતો. હાલ તો આ મામલે કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ એફએસએલ દ્વારા પણ નમૂના લેવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવીની પણ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News