વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે 30 જાન્યુઆરીની વહેલી સવારે એક ભયાનક અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ કરજણ તાલુકાના ધાવટ ચોકડી પાસે આવેલા બ્રિજ પર સાઇડમાં ઊભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસમાં સવાર મુસાફરો ફસાઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માત બાદ ઘણા મુસાફરો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા. આસપાસનું દ્રશ્ય હૃદયદ્રાવક હતું અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બસના તૂટેલા ભાગ કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે બે મુસાફરોના મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર જવાનોને બસની અંદર જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહોને બહાર લાવવા પડ્યા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે લગભગ દોઢ કલાક સુધી સતત રેસ્ક્યૂ કામગીરી ચલાવીને બસમાં ફસાયેલા 25થી વધુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતને કારણે નેશનલ હાઈવે-48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ કરી હતી. તેમજ અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બસની ઝડપ અને રસ્તા પર ઊભેલા ટ્રકને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
હાલમાં મૃતક અને ઇજાગ્રસ્તોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર વાહનચાલકો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.