BREAKING NEWS

ગિરનાર પરિક્રમામાં હાર્ટએટેકથી બે યાત્રિકના મોત; 31 લોકોને વીંછીએ ડંખ માર્યો, 5444 બીમાર પડ્યા

  • November 22, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ખાતે ચાલી રહેલી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમામાં એક તરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ અલગ-અલગ બનાવોમાં હાર્ટએટેક આવતા બે યાત્રિકોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત દાતાર પર્વત પર આવેલા વધુ એક યાત્રિકનું પણ હાર્ટએટેકથી મોત થયું છે. પરિક્રમાના ભક્તિમય વાતાવરણ વચ્ચે બનેલી આ ઘટનાઓને પગલે યાત્રિકો અને પરિવારજનોમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


બોરદેવી અને નળપાણીની ઘોડી નજીક બે મહિલા યાત્રિકોને આવ્યો એટેક

મળતી વિગતો અનુસાર, પરિક્રમા કરવા માટે આવેલા રાજકોટના રહેવાસી લતાબેન સુરેશભાઈ સરવૈયા (ઉં.વ. 48) ને બોરદેવી વિસ્તાર નજીક અચાનક હાર્ટએટેક આવી ગયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં, જૂનાગઢના રહેવાસી મંજુલાબેન વિઠ્ઠલભાઈ ચોટલીયા (ઉં.વ. 65) નામના વૃદ્ધા પરિક્રમા રૂટ પર નળપાણીની ઘોડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને પણ હાર્ટએટેક આવતા તેમનું કરુણ મોત થયું હતું. આ સાથે જ દાતાર પર દર્શનાર્થે આવેલા એક યાત્રિકનું પણ એટેકના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.


3 દિવસમાં 5444 બીમાર યાત્રિકોને આરોગ્ય ટીમે સારવાર આપી

દુર્ગમ જંગલ અને પહાડી રસ્તાઓ પર ચાલવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ ઊભી થઈ રહી છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, તારીખ 20થી 22 દરમિયાન માત્ર ત્રણ જ દિવસમાં કુલ 5444 બીમાર યાત્રિકોને આરોગ્ય ટીમ દ્વારા સ્થળ પર જ સારવાર પૂરી પાડવામાં આવી છે. જેમાં જંગલ વિસ્તાર હોવાથી 31 લોકોને વીંછીએ ડંખ માર્યો હોવાના બનાવો પણ નોંધાયા છે, જેમને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી.


શરીરમાં દુઃખાવો અને શરદી-તાવના કેસ વધુ, 26 દર્દી સિવિલમાં ખસેડાયા

આરોગ્ય વિભાગની વિગતો મુજબ, ત્રણ દિવસમાં સૌથી વધુ 3342 યાત્રિકોને શરીરમાં દુઃખાવાની ફરિયાદ ઊભી થઈ હતી. આ ઉપરાંત 915 લોકોને શરદી, 508 લોકોને તાવ અને 137 યાત્રિકોને ઝાડા-ઉલ્ટીની અસર થતા સારવાર અપાઈ હતી. જ્યારે સ્નાયુ ખેંચાઈ જવા, બીપી લો થવું, ચક્કર આવવા અને અતિશય થાક લાગવાના 26 કેસ નોંધાયા હતા. બીજી તરફ, પરિક્રમા દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડતા ગંભીર જણાતા 26 જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application