BREAKING NEWS

અમદાવાદમાં ચાની દુકાન પર લુખ્ખા તત્વોનું બે રાઉન્ડ ફાયરિંગ, સંચાલકને પગમાં ગોળી વાગી

  • February 13, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી સવાલો ઊભા થયા છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની હતી. ચાની દુકાન પર બેસવા મુદ્દે થયેલા જૂના ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ દુકાન પર આવી ગોળીબાર કર્યો હતો. ઘટનામાં ચાની દુકાનના સંચાલકના પગમાં ગોળી વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં બિસ્મિલ્લા ફ્લેટ નજીક ફૈઝાન પઠાણની ચાની દુકાન આવેલી છે. મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે અરબાઝ શેખ અને તેના બે અજાણ્યા સાથીઓ દુકાન પર આવ્યા હતા. અગાઉ દુકાન પર નહીં બેસવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં તેમણે ગાળો બોલી ફૈઝાન ક્યાં છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ફૈઝાનના મિત્ર અને કારીગર મુદ્દસર અહેમદખાન પઠાણ વચ્ચે આવ્યા હતા.


આરોપી અરબાઝે અચાનક પિસ્તોલ કાઢી મુદ્દસર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી મુદ્દસરના જમણા પગમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી ચાની કીટલી તરફ ચલાવવામાં આવી હતી. અરબાઝના બંને સાથીઓના હાથમાં છરી હોવાની માહિતી પણ સામે આવી છે. ગોળીબારના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


ઈજાગ્રસ્ત મુદ્દસરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે ફતેવાડી પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર આ ઘટના બની હતી. પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.


આ જ વિસ્તારમાં સવારે એક અન્ય બનાવમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા વ્યક્તિને છરી બતાવી મોબાઇલ અને ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી. સુપરવાઇઝર સ્થળ પર પહોંચતા તેમને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા. એક જ દિવસે બનેલી આ બે ઘટનાઓને કારણે ફતેવાડી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સ્થાનિકોએ પોલીસ પાસેથી કડક કાર્યવાહી અને વધારાના પેટ્રોલિંગની માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News