અમદાવાદ એરપોર્ટ પર અગાઉ દાણચોરી કે ગાંજા પકડવાના કિસ્સાઓ તો સામાન્ય બની ગયા છે, પરંતુ તાજેતરમાં એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું વિદેશી ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા હાથ ઓપરેશન દરમિયાન પાંચ કરોડ રૂપિયાની કિંમતનું ૯૮૧ ગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે યુગાન્ડાના એક નાગરિકની ડીઆરઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મુસાફર ક્યુઆર ૫૩૪ (ક્યુઆર534) ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો. શંકાસ્પદ જણાતા મુસાફરની બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ પોતાની ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલમાં અત્યંત ચાલાકીપૂર્વક કોકેઈન સંતાડ્યું હતું. હાલમાં એજન્સી દ્વારા એ દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે કે આ પાંચ કરોડ રૂપિયાનું કોકેઈન ભારતમાં કોને પહોંચાડવાનું હતું અને આ અગાઉ પણ આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે કે કેમ.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી હતી, જેમાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૮.૯ કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. તે કેસમાં ચેક-ઇન બેગેજમાં કપડાં વચ્ચે ૧૪ અલગ-અલગ પેકેટમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. એઆઈયુ અધિકારીઓએ તે મુસાફરને અટકાવીને બેગેજની તપાસ કરી હતી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગાંજો જપ્ત કરી કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.