દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં એકાએક જોરદાર ફેરફાર આવ્યો હતો. ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને ગઈકાલથી મહત્તમ તાપમાનનો પારો પણ એકાએક જોરદાર રીતે નીચે ઉતરી જતા આજે દરિયાકાંઠાના વિસ્તારના લોકોએ સવારે ઝાકળવર્ષા સાથે ફૂલ ગુલાબી વાતાવરણની મજા લીધી હતી. જોકે આના કારણે વાહન વ્યવહારને અસર થવા પામી હતી.
રાજકોટમાં પણ ભેજનું પ્રમાણ 98%
દ્વારકા- કંડલામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% થઈ ગયું હતું. પોરબંદરમાં 98% અને ઓખામાં 91% ભેજ આજે સવારે નોંધાયો છે. રાજકોટમાં પણ ભેજનું પ્રમાણ 98% થઈ ગયું હતું. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 32 ડિગ્રી હતું પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ગઈકાલે જોરદાર ઘટાડો થયો હતો. દ્વારકામાં 25.3 જામનગરમાં 28.6 નલિયામાં 28.5 વેરાવળમાં 29.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બંને સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધી
અરબી સમુદ્રમાં કેરળ અને લક્ષદીપ નજીક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયુ છે. આ ઉપરાંત રાજસ્થાનના સાઉથ વેસ્ટ ભાગમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. આ બંને સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. આકાશમાં અપર લેવલે વાદળો જોવા મળે છે અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
અહીં વરસાદ પડવાની સંભાવના
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમાલયન રિજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. આવી જ રીતે અરબી સમુદ્રની અને રાજસ્થાનની સિસ્ટમના કારણે રાજસ્થાન ચંડીગઢ હરિયાણા પંજાબ કેરલા નિકોબાર લક્ષદીપ અને તામિલનાડુમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ગરમીનું જોર યથાવત રહ્યું
દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ગરમીનું જોર યથાવત રહ્યું છે. અમદાવાદમાં 33.1, વડોદરામાં 34.4, ગાંધીનગરમાં 32.5 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું આજે લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 14.8, ભાવનગરમાં 18.5, નલિયામાં 14.4, કંડલામાં 16, રાજકોટમાં 15.3, વેરાવળમાં 15.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.