ચોમાસાના કારણે તૂટેલા રસ્તા ફટાફટ રિપેર કરો અને કામગીરીમાં કોઈ પ્રકારની નબળાઈ કે ગુણવત્તા સાથેની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે તેવા હાકલા પડકાર ગાંધીનગરથી મંત્રીઓ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી સંપૂર્ણપણે જુદી છે. આવા કોઈ હાકલા પડકારાની અસર ગ્રાઉન્ડ લેવલે જોવા મળતી નથી. કારણ કે સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી 9 જિલ્લા પંચાયતોમાં કાર્યપાલક ઈજનેરોની મહત્વની ગણાતી જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. 'હેડલેસ' જેવી આ સ્થિતિના કારણે કરોડો રૂપિયાના મંજૂર થયેલા કામો લાંબા સમયથી શરૂ પણ થયા નથી.
પંચાયત સર્કલ એકમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા અને સર્કલ 2 માં પોરબંદર ગીર સોમનાથ બોટાદ જુનાગઢ માં અને સ્ટેટ સર્કલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યપાલક ઇજનેરની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. મોટાભાગે ઇન્ચાર્જ થી ગાડું ગબડાવવામાં આવતું હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. જો રસ્તાની હાલતમાં સુધારો નહીં થાય તો પંચાયતોની આગામી ચૂંટણીમાં તેની અસર પડશે તેવી ચેતવણી સ્થાનિક પદાધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં આપવામાં આવી હોવા છતાં કાર્યપાલક ઇજનેરોની જગ્યા ખાલી હોવાથી કશુ આગળ વધતું નથી.
સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની રજૂઆત પછી સરકાર ગ્રામ્ય વિસ્તારમાં નવા નવા કામો મંજૂર કરી જાય છે. પરંતુ આવા કામોમાંથી ભાગ્યે જ થોડા ઘણા કામો શરૂ થાય છે. માર્ગ અને મકાન વિભાગે છેલ્લા બે વર્ષમાં કરોડો રૂપિયાના મંજૂર થયેલા કામો માં હજુ ઘણા કામો એવા છે કે તેમાં અંદાજપત્ર બનાવાયા નથી, ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયા નથી, જાહેર ખબર બહાર પાડીને ટેન્ડર મગાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી. ટેકનિકલ અને વહીવટી કામગીરી સમયસર થતી નથી અને મોનિટરિંગ ન હોવાના કારણે પડતર પડી છે. આવી સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં નવા મંજૂર થયેલા કામોમાં પણ લોટ પાણી અને લાકડા જેવું જોવા મળશે તેવી આસંકા અત્યારથી વ્યક્ત કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રસ્તાની ખરાબ હાલત બાબતે થોડા સમય પહેલા જ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓનો ક્લાસ લઈને ચોમાસાના કારણે તૂટેલા રસ્તાઓની મરામત કરવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. પરંતુ વિભાગના વડાઓની મહત્વની જગ્યાઓ ખાલી હોવાના કારણે આવી સૂચનાની પૂર્ણપણે અમલવારી હજુ થઈ નથી.
છેલ્લા કેટલાક સમયથી રસ્તાના નબળા કામોની ફરિયાદ સતત વધતી જાય છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાઠગાંઠના કારણે નવા રસ્તા ચોમાસાની સિઝનમાં થોડો ઘણો વરસાદ પડતાની સાથે જ તૂટી જાય છે કામની ગુણવત્તા બાબતે પણ મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે.
કાર્યપાલક ઈજનેરોની સૌરાષ્ટ્રમાં 11 માંથી નવ જિલ્લામાં જગ્યા ખાલી હોવાથી નાયબ કાર્યપાલક ઇજનેર ,મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેર વગેરેને ચાર્જમાં સોપવામાં આવે છે. પરંતુ આવા અધિકારીઓ પાસે સાઈટ પર જવાનો સમય પણ હોતો નથી. કોન્ટ્રાક્ટરો પ્લાન્ટ પર પોતાની ઈચ્છા મુજબ ડામર અને ટેમ્પરેચર રાખી નબળી કક્ષાનું મટીરીયલ તૈયાર કરી રોડને રૂપકડો બનાવી દે છે. થોડા સમયમાં તે તૂટી જાય છે. આમ છતાં મોટા ભાગના કિસ્સાઓમાં આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા કે સમયસર કામ પુરા ન કરતી એજન્સી પાસેથી પેનલ્ટી વસૂલ કરવાની દરખાસ્તો પણ કરવામાં આવતી નથી અને તેના કારણે કોન્ટ્રાક્ટરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળે છે.