જે હાથોએ પહેલા ગુના કર્યા તે હવે તમારી મુસાફરીને સરળ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. જી હા... વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓએ એક અગ્રણી ભારતીય બ્રાન્ડ માટે ટકાઉ અને સ્ટાઇલિશ ટ્રાવેલ બેગ બનાવવામાં નિપુણતા મેળવી લીધી છે.
બે વર્ષમાં પ્રોડક્શનમાં ચાર ગણો વધારો
સફારી ઇન્ડસ્ટ્રીઝ હવે તેના વાર્ષિક ઉત્પાદનનો લગભગ 10 ટકા ભાગ વડોદરા સેન્ટ્રલ જેલના ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરને આપી રહી છે. વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ અધિક્ષક (એસપી) ઉષા રાડાએ જણાવ્યું હતું કે, જેલમાં બેગ પ્રોડક્શન યુનિટ હવે સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમારા ઉત્પાદનમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. અમે ટૂંક સમયમાં અહીં ઉત્પાદન લાઇનની સંખ્યા પણ વધારી શકીએ છીએ.
બેગ બનાવતા યુનિટમાં 210થી વધુ કેદીઓ કામ કરે છે
જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આ પ્રોજેક્ટ બે વર્ષ પહેલાં શરૂ થયો હતો ત્યારે કેદીઓ દર મહિને 10,000થી 12,000 બેગ બનાવતા હતા. હવે આ સંખ્યા વધીને 55,000 બેગ થઈ ગઈ છે. બેગ બનાવતા યુનિટમાં 210થી વધુ કેદીઓ કામ કરે છે. સફારી ઇન્ડસ્ટ્રીઝના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં ઉત્પાદન લગભગ તેમના કુલ બેગ ઉત્પાદનના 9 ટકા. વડોદરા જેલ પ્રોજેક્ટને ખૂબ જ સફળતા મળી. ટાટા સફારી ઇન્ડસ્ટ્રીઝે પણ જયપુર સેન્ટ્રલ જેલ સત્તાવાળાઓનો સંપર્ક કરીને ત્યાં મોડેલની નકલ બનાવી છે.
કેદીઓને પહેલા તાલીમ આપવામાં આવી હતી
વડોદરા સેન્ટ્રલ જેલના નાયબ પોલીસ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું કે, કામદારોને પહેલા થોડા અઠવાડિયા માટે બેગ કેવી રીતે બનાવવી તેની તાલીમ આપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ તેઓએ જરૂરી કુશળતા વિકસાવી અને અન્ય કોઈપણ ઉત્પાદન કંપનીમાં કુશળ કામદારોની જેમ એસેમ્બલી લાઇનમાં કામ કરવાનું શરૂ કર્યું.
કેદીઓ દિવસમાં સાત કલાક કામ કરે છે
વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓએ બેગ બનાવવા માટે કંપની સાથે છ વર્ષનો કરાર કર્યો છે. કંપની જેલમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતી કાચી સામગ્રી પૂરી પાડે છે. બેગમાં ફેબ્રિક અને પટ્ટાઓ સીવવાથી લઈને ટ્રોલી અને હેન્ડલ ફિક્સ કરવા સુધી, કુશળ કેદીઓએ ગુણવત્તાયુક્ત બેગ બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે. આ જેલમાં બનેલી બેગ પર "CJ" ટેગ લાગેલો છે અને તે દેશભરમાં વેચાય છે. કેદીઓ દિવસમાં સાત કલાક કામ કરે છે અને મહિને 8,000 થી 10,000 રૂપિયા કમાય છે.