વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમર ધરાવતા વૈભવની જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝની સાથે-સાથે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ પસંદગી કરવામાં આવી છે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. મેન્સ સિલેક્શન પેનલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના મુખ્યાલયમાં મળી હતી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી. શ્રેયસ ઐયર ત્રણેય ટુર્નામેન્ટમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ પ્રથમ વખત સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
દરમિયાન, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તે 2026 એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને મોહમ્મદ સિરાજના સ્થાને ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, સિરાજને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ પાસેથી તેમની ટી-20 કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સૂર્યાને હટાવવાનો નિર્ણય બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સિરીઝમાં પણ ભાગ લેશે, જેના માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે.
ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરૂણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરૂણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.
ભારતની ટીમ જૂન મહિનામાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં પ્રથમ ટી-20 26 જૂન, બેલફાસ્ટ અને બીજી ટી-20 28 જૂન, બેલફાસ્ટમાં રમશે.
ભારતનો જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં પહેલી જુલાઈએ પ્રથમ ટી-20 ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં, ચોથી જુલાઈએ બીજી ટી-20 માન્ચેસ્ટરમાં, સાતમી જુલાઈએ ત્રીજી ટી-20 નોટિંગહામમાં, નવમી જુલાઈએ ચોથી ટી-20 બ્રિસ્ટોલમાં અને 11 જુલાઈએ પાંચમી ટી-20 સાઉધમ્પ્ટનમાં રમશે. આ ઉપરાંત 14 જુલાઈએ પ્રથમ વન-ડે બર્મિંગહામમાં, 16 જુલાઈએ બીજી વન-ડે કાર્ડિફમાં અને 19 જુલાઈએ ત્રીજી વન-ડે લોર્ડ્સમાં રમશે.