સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરીને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હવે વાઇબ્રન્ટ ઇફેક્ટ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. મુસાફરોની સુવિધા વધારવા માટે એરપોર્ટ પર રેપિડો સર્વિસ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે શહેરમાં આવન-જાવન વધુ સરળ બનશે. સાથે જ રાહતદરે નાસ્તા ગૃહ શરૂ કરવામાં આવશે, જેથી મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન ઓછી કિંમતે મળશે. આગામી સમયમાં ગુજરાતની ઓળખ સમાન પરંપરાગત પટોળાનું વેચાણ પણ એરપોર્ટ પર શરૂ થશે, જે સ્થાનિક કળાને પ્રોત્સાહન આપશે.
આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવનાર છે. જેને લઈને તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટનાં હોસ્પિટલ ચોક બ્રીજ, રેસકોર્સ, માધાપર ચોકડી તેમજ 150 ફૂટ રિંગરોડ સહિતના સ્થળોએ હાલ બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને રાજકોટ શહેર જાણે નવા શણગાર સજી રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ માટે મનપાનાં કુલ 200 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપાય તેવી પણ શક્યતા છે.
દેશ-વિદેશનાં ઉદ્યોગકારો રાજકોટ આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વાઇબ્રન્ટ સમીટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશ-વિદેશનાં ઉદ્યોગકારો રાજકોટ આવનાર છે. જેને લઈને રાજકોટ નવા રંગરૂપ સાથે તેમનું સ્વાગત કરી શકે તે માટે હાલ રોડ-રસ્તાઓ અને બ્રિજો સહિતના સ્થળે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં શહેરમાં ખાસ રંગબેરંગી રોશની પણ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટને નવા રંગરૂપ આપવા માટે મનપાનાં તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.