તાજેતરમાં બેંગલુરુ એરપોર્ટમાં સુરક્ષા કર્મીઓની હાજરીમાં અમુક જૂથ નમાજ પઢવા બેસી ગયું હતું અને સુરક્ષા કર્મીઓની હાજરીમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપે સિદ્ધારમૈયાની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે આરએસએસના પથ સંચલન યોગ્ય પ્રકરિયાના પાલન સાથે થાય છે તોય તેની સામે વાંધો ઉઠાવવામાં આવે છે, ત્યારે અત્યારે સિદ્ધારમૈયા સરકાર ચુપ કેમ ? આ મુદે હવે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
કર્ણાટકમાં એક નવો રાજકીય મુદ્દો જોર પકડી રહ્યો છે. આ બેંગલુરુ એરપોર્ટની અંદર નમાજ પઢવાને લગતો છે. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 ની અંદર નમાજ પઢતા લોકોના એક જૂથનો એક વીડિયો સામે આવ્યો છે. તેને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે, જેનાથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વિપક્ષી નેતાઓએ જાહેર સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે રાજ્ય સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.એવું જાણવા મળ્યું છે કે નમાજ પઢતા જોવા મળેલા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હતા. ટર્મિનલની અંદર એક નિયુક્ત પ્રાર્થના ખંડ હોવા છતાં, તેઓએ જાહેર વિસ્તારમાં નમાજ પઢતા હતા. વાયરલ ફૂટેજમાં, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ નજીકમાં જોવા મળે છે.
ભાજપે ચલાવ્યો પ્રશ્નોનો મારો
કર્ણાટક ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને આઈટી મંત્રી પ્રિયાંક ખડગે પર સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું, "બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટી 2 ટર્મિનલની અંદર આ કેવી રીતે મંજૂરી આપવામાં આવી? મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયાંક ખડગે, શું તમે આને મંજૂરી આપો છો? શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ વિસ્તારમાં નમાજ પઢવા માટે પૂર્વ પરવાનગી લીધી હતી?તેવા તીખા પ્રહારો કર્યા હતા.
આરએસએસના પથ સંચલનનો ઉલ્લેખ કરતા ભાજપ નેતાએ આગળ પૂછ્યું કે સરકાર પથ સંચલન જેવા આરએસએસ કાર્યક્રમો સામે કેમ વાંધો ઉઠાવે છે, જે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરે છે, પરંતુ આવી પ્રવૃત્તિઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. તેમણે પોસ્ટમાં સિદ્ધારમૈયા અને પ્રિયાંક ખડગેને પણ ટેગ કર્યા.
આ દરમિયાન, કર્ણાટક સરકાર એરપોર્ટ પર કોઈપણ રાજકીય કે ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકવાના પગલાં લેવાનું વિચારી રહી છે, જેમાં આરએસએસની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.