દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના કજુરડા ગામ નેશનલ હાઇવે સાથે સીધું જોડાયેલું છે, અગાઉ ગામ પાસે આવેલ ડીવાઇડર-મીડીયન કટ દ્વારા ગામમાં આવક-જાવક સરળ હતી, પરંતુ તાજેતરમાં કોઇપણ સૂચના વગર અને ગ્રામ્ય પંચાયતની સહમતી વગર ડીવાઇડર બંધ કરી દેવામાં આવતા આ મામલે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિસ્તૃત રીતે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કજુરડા ગામમાં પ્રવેશ અને બહાર જવા માટે આ ડીવાઇડર બંધ કરી દેવાતા લાંબો અને જોખમી ફેરો કરવો પડે છે. ખાસ કરીને એમ્યુબલન્સ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓમાં આ ડીવાઇડરના કારણે વિલંબ થવાની સંભાવના વધી છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. તેમજ ખેતીના વાહનો, દૂધ મંડળી, વિદ્યાર્થીઓ તથા વડીલ ગ્રામજનોને રોજબરોજની તકલીફો પડી રહી છે, વિકલ્પ માર્ગ અને સર્વિસ રોડ પૂરતો સલામત અને વ્યવસ્થિત નથી. આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.