BREAKING NEWS

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં 'સ્વૈચ્છિક લોકડાઉન': 400 મિલોમાં સપ્તાહમાં 2 દિવસ કામકાજ બંધ, શ્રમિકોનું વતન તરફ મોટાપાયે પલાયન

  • March 21, 2026 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત પર અત્યારે આર્થિક ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. LPG ગેસના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે કાપડ ઉદ્યોગના પૈડાં થંભી ગયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે શહેરની 400 જેટલી ટેક્સટાઇલ મિલોએ 'સ્વૈચ્છિક લોકડાઉન' જાહેર કરી અઠવાડિયામાં બે દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઉત્પાદનમાં 50% નો જંગી ઘટાડો
સુરતમાં દરરોજ અંદાજે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું, જે હવે ઘટીને સીધું 3 કરોડ મીટર પર આવી ગયું છે. ગેસની અછતને કારણે યાર્નને 'સ્ટીમ' કરવા અને પ્રોસેસિંગ હાઉસ ચલાવવા અશક્ય બન્યા છે. ઉદ્યોગકારો પાસે હવે માત્ર 20 દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો છે, જેના કારણે પ્રોડક્શન લાઈન ટકાવી રાખવી પડકારજનક બની છે.


સિલિન્ડરની તંગી

ગેસની અછત માત્ર ફેક્ટરીઓ પૂરતી સીમિત નથી. શ્રમિકોને પોતાના ઘરે ભોજન બનાવવા માટે પણ સિલિન્ડર નથી મળી રહ્યા. આ પરિસ્થિતિથી કંટાળીને હજારો શ્રમિકોએ સુરત છોડીને યુપી, બિહાર અને ઓડિશા વતનની વાટ પકડી છે. ઘરે રાંધવું મુશ્કેલ બનતા શ્રમિકો ભોજનાલયો તરફ વળ્યા છે, પરંતુ ત્યાં પણ ભીડ અને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.


હોટલોમાં 30% ભાવવધારો
ગેસની તંગીને કારણે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, જમવાની થાળી અને નાસ્તાના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. મધ્યમ વર્ગ અને શ્રમિકો માટે હવે બહાર જમવું પણ આર્થિક રીતે બોજ સમાન બની ગયું છે.

ઉદ્યોગકારોની રજૂઆત: "એકઅઠવાડિયામાં ઉકેલ લાવો"
સ્થાનિક ટેક્સટાઇલ એસોસિએશનના અગ્રણીઓએ સરકાર અને તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, "અમે વારંવાર રજૂઆતો કરી છે. જો એક અઠવાડિયામાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય, તો હજારો કારખાનાઓને કાયમી તાળા મારવાની નોબત આવશે. આ લાખો શ્રમિક પરિવારોના ભવિષ્યનો સવાલ છે." હાલમાં કેટલાક સાહસિક ઉદ્યોગકારો મશીનોને ડીઝલ કે પેટ્રોલ કીટમાં કન્વર્ટ કરવાના પ્રયોગો કરી રહ્યા છે, પરંતુ આ વિકલ્પ અત્યંત ખર્ચાળ હોવાથી કાપડના ભાવમાં તોતિંગ વધારો થવાની ભીતિ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application