BREAKING NEWS

WPL 2027 ની તારીખો જાહેર: 14 જાન્યુઆરીથી થશે ધમાકેદાર પ્રારંભ, 35 દિવસ સુધી રમાશે ટુર્નામેન્ટ

  • September 16, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની નવી સિઝનની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ લોકપ્રિય ટુર્નામેન્ટનું આયોજન વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં કરવામાં આવશે. અત્યાર સુધી ડબલ્યુપીએલની તમામ સિઝન ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન રમાતી હતી. જોકે, લીગની આ પાંચમી સિઝનની શરૂઆત 14 જાન્યુઆરીથી થશે અને તે 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમગ્ર ટુર્નામેન્ટ 35 દિવસ સુધી રમાશે, પરંતુ મેચોના સ્થળ (વેન્યૂ) અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.


બુધવાર 16 સપ્ટેમ્બરના રોજ બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની સત્તાવાર માહિતી પૂરી પાડી હતી. બોર્ડે ડબલ્યુપીએલ 2027 ની તારીખોની સાથે સાથે નવી સિઝન માટે યોજાનાર 'પ્લેયર્સ ઓક્શન' ની મહત્વપૂર્ણ તારીખો પણ જાહેર કરી છે. અહેવાલો મુજબ, ડબલ્યુપીએલ 2027 માટે મિની ઓક્શનનું આયોજન 28 ઓક્ટોબર 2026 ના રોજ કરવામાં આવશે. આ હરાજી માત્ર 1 દિવસની રહેશે અને પ્રથમ વખત કેરળના કોચી શહેર સ્થિત ગ્રાન્ડ હયાત હોટેલમાં ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.


ઓક્શન પહેલા ખેલાડીઓને રિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના માટે બોર્ડે 28 સપ્ટેમ્બરની ડેડલાઇન નક્કી કરી છે. આ તારીખ સુધીમાં તમામ 5 ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની રહેશે. આ વખતે પણ ટીમોની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


​​​​​​​દરમિયાન, ટુર્નામેન્ટના વેન્યૂને લઈને સસ્પેન્સ અકબંધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવી સિઝન માટે 3 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મુંબઈ અને વડોદરા ઉપરાંત ત્રીજું નામ વારાણસીનું છે. વારાણસીમાં એક નવું આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે, જ્યાં હજુ સુધી એક પણ મેચ રમાઈ નથી. એવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે કે બીસીસીઆઈ આ વખતની સમગ્ર ડબલ્યુપીએલ સિઝન સંપૂર્ણપણે આ નવા સ્ટેડિયમમાં જ આયોજિત કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application