મેદાન પર રમાઈ રહેલા મુકાબલા દરમિયાન શરૂઆતથી જ ગરમાગરમ માહોલ અને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ટોસના સમયે જ મોટો વિવાદ સર્જાયો હતો અને બંને ટીમના કેપ્ટનો વચ્ચે ઔપચારિક હાથ પણ મળ્યા નહોતા. ત્યારબાદ બેટિંગ દરમિયાન પાકિસ્તાનને પહેલો ઝટકો લાગ્યા બાદ વિકેટને લઈને હર્ષિત રાણા અને શમિલ હુસૈન વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યારે બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી ઈજાગ્રસ્ત થતા થોડા સમય માટે ચિંતા વ્યાપી ગઈ હતી.
ટોસ વખતે સર્જાયો વિવાદ, કેપ્ટનો વચ્ચે હાથ ન મળ્યા
મેચની શરૂઆત પહેલા ટોસ દરમિયાન ફરહાન સમદે 'હેડ્સ' પસંદ કર્યું હતું. સિક્કો જમીન પર પડ્યા બાદ ઇન્ટરવ્યુઅરે 'ટેલ્સ' આવ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરહાન સમદ અને તિલક બંને સિક્કો જોવા માટે નીચે નમ્યા હતા. સમદે સિક્કા તરફ ઇશારો કરીને માઈક પર સ્પષ્ટપણે કહ્યું હતું કે, "હેડ્સ છે, હેડ્સ છે." ટોસ દરમિયાન ઊભી થયેલી આ સ્થિતિ વચ્ચે બંને કેપ્ટનો વચ્ચે હાથ પણ મળ્યા નહોતા, જેના કારણે મેદાન પર તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
શમિલ આઉટ થતા હર્ષિત રાણા સાથે બોલાચાલી
મેચની 7.5 ઓવરમાં આયુષ બદોનીએ પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. શમિલ હુસૈન મિડવિકેટના ઉપરથી મોટો શોટ રમવા ગયો હતો, પરંતુ બોલ તેના બેટની ટોપ એજ લઈને શોર્ટ થર્ડ પર ઊભેલા હર્ષિત રાણાના હાથમાં સરળતાથી જતો રહ્યો હતો. શમિલ 23 બોલમાં 33 રન કરીને આઉટ થયો હતો. વિકેટ પડ્યા બાદ હર્ષિત રાણાએ આક્રમક અંદાજમાં શમિલને સેન્ડઓફ આપ્યો હતો, જેને પગલે બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફિલ્ડિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીને ઈજા
બીજી તરફ, હર્ષિત રાણાની ઓવરમાં માઝ સદાકતે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને રનગતિ તેજ કરી હતી. ઓવરના પાંચમા બોલ પર માઝે ઇનસાઇડ એજથી શોટ રમ્યો હતો અને બોલ બાઉન્ડ્રી તરફ ગયો હતો. આ બોલ રોકવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પાસે વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. ટક્કર બાદ વૈભવ પોતાના ખભામાં દુખાવો અનુભવતો જોવા મળ્યો હતો, જોકે થોડીવારની સારવાર અને રાહત બાદ તે ફરીથી સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર માઝ સદાકતે શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો.