સુરતની અદાલતે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરવાના ચર્ચાસ્પદ મામલે બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક વલણ અપનાવતા વોરંટ ઇશ્યુ કર્યું છે. અગાઉ કોર્ટે નિયમાનુસાર સમન્સ પાઠવ્યા હતા અને વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા બજવણી પણ કરી હતી, તેમ છતાં તેઓ અદાલત સમક્ષ હાજર રહ્યા નહોતા. કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશોની સતત અવગણના કરવાના કારણે નામદાર ટ્રાયલ કોર્ટે આ આકરો હુકમ કર્યો છે, જેના પગલે હવે પ્રખ્યાત ફિલ્મ નિર્માતાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગતો અનુસાર, ગત વર્ષે અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણો વિરુદ્ધ ઘૃણાસ્પદ નિવેદન આપ્યું હતું, જે અંગે તેમણે કોઈ જ જાહેરમાં માફી માંગી ન હતી. આ બાબતને લઈને તેમની સામે સુરતની અદાલતમાં વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુનો નોંધીને અગાઉ સમન્સ જારી કર્યા હોવા છતાં તેઓ હાજર ન રહેતા, કોર્ટના આદેશ અનુસાર ગત ૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈના સ્થાનિક અખબારમાં સમન્સની જાહેર બજવણી કરવામાં આવી હતી. આટલી સત્તાવાર પ્રક્રિયા છતાં આજરોજ તેઓ કોર્ટમાં ઉપસ્થિત ન રહેતાં નામદાર કોર્ટે તેમની વિરુદ્ધ કાયદેસરનું વોરંટ ઇશ્યુ કર્યું છે અને આ કેસની આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
આ વિવાદની શરૂઆત ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ થઈ હતી, જ્યારે ફિલ્મ જગતમાં મોટી પ્રસિદ્ધિ ધરાવતા અનુરાગ કશ્યપે પોતાના અધિકૃત ટ્વિટર (એક્સ) એકાઉન્ટ પર બ્રહ્મ સમાજને સીધો નિશાન બનાવીને અત્યંત અપમાનજનક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ વિવાદાસ્પદ પોસ્ટના જવાબમાં આદિત્ય દત્તા નામના એક જાગૃત નાગરિકે અનુરાગ કશ્યપને સંપર્ક કરીને આ પોસ્ટ તાત્કાલિક ડિલિટ કરવા અને સામાજિક મર્યાદા જાળવી રાખવા નમ્ર અનુરોધ કર્યો હતો.
પરંતુ, પોતાની સેલિબ્રિટી હોવાના અહંકારમાં અંધ બનેલા કશ્યપે વિવેક દાખવવાને બદલે સામે ઉગ્ર ગુસ્સો ઠાલવ્યો હતો અને ટ્વિટર પર જ જાહેરમાં અપશબ્દ લખીને વળતો જવાબ આપ્યો હતો. તેમના આ બેજવાબદાર અને ઉશ્કેરણીજનક જવાબે સમગ્ર મામલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું, જેના કારણે સમગ્ર દેશના બ્રાહ્મણ સમાજ અને જાગૃત નાગરિકોમાં તેમની સામે ઊંડો આક્રોશ વ્યાપી ગયો હતો અને આખરે કાનૂની લડત શરૂ થઈ હતી.