હળવદમાં પાણી સંકટ ઘેરાયું: બ્રાહ્મણી–૨ ડેમમાં માત્ર ૬૦૦ એમએલડી જેટલું પાણી બચ્યું
હળવદમાં પાણી સંકટ ઘેરાયું: બ્રાહ્મણી–૨ ડેમમાં માત્ર ૬૦૦ એમએલડી જેટલું પાણી બચ્યું
May 28, 2026 10:40 AM
હળવદ અને આસપાસના વિસ્તારોમાં પાણી સંકટ દિવસેને દિવસે ગંભીર બનતું જતા હળવદ–ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્રારા કરાયેલી તાત્કાલિક રજૂઆત બાદ આખું તત્રં દોડતું થયું હતું. પાણી પુરવઠા બોર્ડ તથા નર્મદા નિગમના અધિકારીઓ અને સ્ટાફનો કાફલો બ્રાહ્મણી–૨ ડેમ પર દોડી આવી સ્થિતિનું નિરીક્ષણ કયુ હતું. બ્રાહ્મણી–૨ ડેમ હાલમાં ખાલી થવાની આરે પહોંચી ગયો છે અને ડેમમાં માત્ર અંદાજિત ૬૦૦ એમએલડી જેટલું જ પાણી બાકી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હળવદ સહિત અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. સ્થળ પર પહોંચેલા પાણી પુરવઠા વિભાગ અને નમેદા નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં નર્મદા કેનાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી આગામી ૩૧ આસપાસ પાણી છોડવામાં આવશે. ત્યારબાદ પાણી બ્રાહ્મણી–૨ ડેમ સુધી પહોંચતા અંદાજિત ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગી શકે છે.અટેલે કે ડેમમાં ચોથી પાંચમી તારીખની આજુબાજુ પાણી આવશે. તાત્કાલિક ડેમ ની અંદર આજુબાજુમાં ભરાયેલું પાણી બોટ મારફતે નજીક લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, આ સમગ્ર મામલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પાણી પુરવઠા વિભાગ અને નમેદા નિગમના જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, લોકોને પીવાના પાણી માટે હેરાન થવું પડે તે અસહ્ય છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બ્રાહ્મણી –૨ ડેમ પર પાણી પુરવઠા વિભાગના ઇજનેર બલદાણીયા, ઇજનેર ડોડીયા, નર્મદા વિભાગના ઇજનેર રાઠોડ સહિતના અધિકારીઓ અને સ્ટાફે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કયુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ડેમની હાલત અને પાણીની સ્થિતિ અંગેનો અહેવાલ તૈયાર કરી ઉપરી અધિકારીઓને મોકલવામાં આવશે