BREAKING NEWS

21 કરોડનો ભ્રષ્ટાચાર! સુરતમાં નવી નક્કોર ટાંકીમાં પાણી ભરતા જ બરફની જેમ પીગળી ગઈ, 33 ગામના લોકોની આશા પર પાણી ફરી વળ્યું

  • January 21, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે, એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ હતી. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ બરફની જેમ પીગળી કડડડભૂસ થઈને બેસી પડી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં કેવા કેવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેની ખૂબ મજા લૂંટવામાં આવી રહી છે. આ ટાંકી અને અમદાવાદમાં તોડી પડાયેલી 75 વર્ષ જૂની ટાંકીના બાંધકામનો તફાવત સમજાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું છે કે, 75 વર્ષ પહેલા બનેલી ટાંકીને તોડવા ઉપર જેસીબી ચડાવવામાં આવ્યા હતા.


મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં એક ઘટના બની હતી. થયું એવું કે અહીં ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે એ માટે 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. નવીનક્કોર, ચકાચક ટાંકી બની તો ગઈ, હવે એની ટ્રાયલ બાકી હતી, એટલે એમાં પાણી ભરીને લાઈન, પમ્પ બધું બરાબર છે કે નહિ એ ચેક કરવાનું હતું. આ ટ્રાયલ વખતે ટાંકીમાં ઉપર પાણી ચડાવવામાં આવ્યું પણ ટાંકી અડધી ભરાઈ ત્યાં કડડડભૂસ થઈને તૂટી પડી હતી. આ ટાંકી 15 મીટર ઊંચી હતી, તેમાં 11 લાખ લિટર પાણી ભરવાની ક્ષમતા હતી. આ ટાંકી બનાવવા માટે 21 કરોડનો જંગી ખર્ચો થયો હતો.

આ ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયપગલા જગ્યામાં તાપી પાણીપુરવઠા યોજનામાંથી 33 ગામને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય હતું, પણ હવે નવી ટાંકી નહીં બને ત્યાં સુધી આ ગામો પાણીની સુવિધાથી વંચિત રહેશે.


સત્તાધીશોએ સ્થળ પર તપાસ કરતાં ટાંકીના સ્ટ્રક્ચરની હલકી ગુણવત્તા સામે આવી છે. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટનાં પોપડાં ઊખડી રહ્યાં છે, જે કામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રેક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી છે.


ઘટનાસ્થળે પહોંચેલા પાણીપુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જય ચૌધરીએ જણાવ્યું હતું કે, ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી. સમગ્ર મામલે એસવીએનઆઈટી (સુરત)ના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેક્નિકલ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રેક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.


બે એન્જિનિયર સસ્પેન્ડ

આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત, ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે, જેથી જવાબદારો સામે વધુ કાર્યવાહી થઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application