BREAKING NEWS

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયા વેલમાર્ક લો પ્રેસર, સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ વરસાદ છોતરા કાઢશે, તોફાની પવન ફુકાવાનું શરૂ

  • October 01, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારિત સમય કરતા મોડી એટલે કે આજે સવારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ છે. હવે આજે તથા આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 70 કીલોમીટર સુધી પહોંચી જાય છે.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત વચ્ચે અરબી સમુદ્ર સુધી લંબાય તેવું એક વેલમાર્ક લો પ્રેશર આજે સવારે જોવા મળ્યું છે. આ સિસ્ટમની સાથો સાથ સાયકલોનિક સર્ક્યુલેશન છે. વેસ્ટ દિશામાં ગતિ કરતી આ સિસ્ટમ આગામી 12 કલાકમાં અરબી સમુદ્રમાં પહોંચશે અને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.


આવી જ બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં જોવા મળી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સર્જાયું હતું તે આજે સવારે 5:30 વાગે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમની સાથે પણ સાયકલોનિક સર્ક્યુલેશન જોડાયું છે. નોર્થ વેસ્ટ દિશામાં આ સિસ્ટમ ગતિ કરે છે અને આવતીકાલે તે પણ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. બંગાળની ખાડીની આ સિસ્ટમ તારીખ 3 ના રોજ સાઉથ ઓડિશા અને નોર્થ આંધ્ર પ્રદેશના દરિયા કાઠેથી પસાર થશે.


અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ બંને તાકાત વાળી સિસ્ટમો ઉપરાંત આસામ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે.


ગરમી ગાયબ: તા. 4 પછી વાતાવરણમાં પલટાની શક્યતા

છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. 35 થી 37 ડિગ્રી વચ્ચે સમગ્ર રાજ્યમાં તાપમાન રહ્યા પછી ગઈકાલે રાજકોટ વેરાવળ ભુજ પોરબંદર સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી નીચે અને ભાવનગર દ્વારકા કંડલા નલિયા ઓખામાં મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી આસપાસ આવી ગયું છે, આજે સવારે ભાવનગરમાં 94 ભુજમાં 98 દ્વારકામાં 94 નલિયામાં 95 કંડલામાં 94 પોરબંદરમાં 98 ઓખામાં 89 રાજકોટમાં 87 અને વેરાવળમાં 90 ટકા ભેજ નોંધાયો હતો.

આગામી તારીખ 4 પછી વાતાવરણમાં પલટાની શક્યતા જોવા મળે છે. નોર્થ વેસ્ટ ઈન્ડિયાને પ્રભાવિત કરે તેવું ચાલુ સીઝનનું પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ 4 ના રોજ ઉદભવશે અને તેના કારણે શિયાળાની સીઝન શરૂ થવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application