રાજકોટ મહાપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરો ભરપાઇ કરનારને ૧૦ ટકા વળતર આપવાની યોજના અમલી હતી જે તા.૩૧ મેના રોજ પૂર્ણ થઇ છે. વેરા વળતર યોજના હેઠળ ઝોનવાઇઝ જોઇએ તો સૌથી વધુ વેરા આવક પશ્ચિમ રાજકોટમાંથી થઇ છે અને વોર્ડ વાઇઝમાં મેયરના વોર્ડ નં.૭માંથી અઢળક આવક થયાનું જાણવા મળે છે.
વિશેષમાં ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૭.૪.૨૦૨૬થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન તે અંતર્ગત તા.૩૧.૫.૨૦૨૬ સુધીમાં ૧૦ ટકા વળતર યોજના ચાલુ હતી જેમાં કુલ રૂ.૨૨૫.૭૧ કરોડ જેટલી વસુલાત થઇ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મિલકત વેરા વળતર યોજના હેઠળ મધ્ય ઝોનમાં રૂ.૭૪.૪૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.૧૦૬.૭૨ કરોડ અને પૂર્વ ઝોનમાં રૂ.૪૪.૫૯ કરોડની વેરા આવક થવા પામી હતી. ત્રણેય ઝોનમાં કુલ ૩,૨૧,૦૪૮ જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનાનો વેરો ચૂકતે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે તા.૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી સામાન્ય કરદાતાઓ માટે પાંચ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલા કરદાતાઓ માટે દસ ટકા ડિસ્કાઉન્ટની યોજના અમલી રહેશે.