BREAKING NEWS

પર્યુષણ પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવેની મોટી ભેટ: બાંદ્રાથી ભાવનગર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

  • September 10, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા અને મુસાફરીને વધુ સુગમ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનની શરૂઆત થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા હજારો શ્રદ્ધાળુઓ અને સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે.


પર્યુષણ પર્વ દરમિયાન ભાવનગરથી આશરે 55 કિલોમીટર દૂર આવેલા જૈનોના પવિત્ર તિર્થ સ્થાન પાલીતાણામાં ભાવિકો જતાં હોય છે, ત્યારે યાત્રાળુઓ ભાવનગર ઉતરીને પાલીતાણા જઈ શકે તે માટે તેમજ તહેવારો અને ધાર્મિક આયોજનો દરમિયાન વધતી મુસાફરોની માગને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેનથી ભાવનગર અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા પેસેન્જરોને વધારાની રેલ સુવિધા મળશે.


રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ વિશેષ ટ્રેન સર્વિસ ટ્રેન નંબર 09023/09024 હેઠળ સંચાલિત કરવામાં આવશે. ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ મંગળવાર, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.


તેવી જ રીતે, વળતી મુસાફરી માટે ટ્રેન નંબર 09024 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બુધવાર, 16 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે 17:40 કલાકે ભાવનગર ટર્મિનસથી રવાના થશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પર આવી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન વલસાડ, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા અને સોનગઢ જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર રોકાણ કરશે, જેનાથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને પણ સીધો લાભ મળશે.


પર્યુષણ પર્વ દરમિયાન મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળતો હોય છે. નિયમિત ટ્રેનોમાં લાંબી પ્રતીક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) ને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ ખાસ ટ્રેન શિડ્યુલ કરી છે. રેલવે સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેન માટેનું બુકિંગ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન કાઉન્ટર્સ અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ટ્રેન દોડવાથી તહેવારના દિવસોમાં મુસાફરોને સલામત અને આરામદાયક મુસાફરીની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News