ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી છે. રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં વિહાર કરતા ગીરના બે ડાલામથ્થા સિંહો જ્યારે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે વનવિભાગના કર્મીઓએ 'ઢાલ' બનીને તેમનું રક્ષણ કર્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો વનતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે.
ટેકનોલોજી અને સતર્કતાનો સંગમ
જાફરાબાદના બાલાનીવાવ ગામ નજીક આ કિસ્સો બન્યો હતો. વનવિભાગે સિંહોની સુરક્ષા માટે આધુનિક અભિગમ અપનાવ્યો છે. હાઈવે પર આવેલા આ બંને સિંહોએ રેડિયો કોલર પહેરેલા હતા. લોકેશનના આધારે વનવિભાગની ટીમને અગાઉથી જ જાણ થઈ ગઈ હતી કે વનરાજ હાઈવે તરફ વધી રહ્યા છે. સિંહો રોડ પર આવે તે પહેલા જ જાફરાબાદ વનવિભાગની ટીમે નેશનલ હાઈવે પર વાહનોને ઉભા રખાવી દીધા હતા. વાહનચાલકો પણ શિસ્તબદ્ધ રીતે ઉભા રહી ગયા અને વનરાજાએ ઠાઠથી રોડ ક્રોસ કર્યો હતો.
ભૂતકાળની ઘટનાઓમાંથી લીધો બોધ
તાજેતરમાં જ નેશનલ હાઈવે પર અકસ્માતે ૨ સિંહોના મોત થવાની કમનસીબ ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ બાદ વનતંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હવે વનવિભાગ દ્વારા ૨૪ કલાક પેટ્રોલિંગ કરવામાં આવે છે. વનવિભાગની ટીમે જોખમ ખેડીને પણ સિંહોને રોડ ક્રોસિંગ કરાવીને સુરક્ષિત જંગલ વિસ્તાર તરફ વાળ્યા હતા.
નેશનલ હાઈવે પર વધતો ટ્રાફિક ઘણીવાર વન્યજીવો માટે જોખમી બને છે. જોકે, આ કિસ્સામાં વનતંત્રની ત્વરિત કામગીરીએ સાબિત કર્યું છે કે જો ટેકનોલોજી અને નિષ્ઠાનો સાથ મળે, તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે.