BREAKING NEWS

પાટણના વૌવામાં મધરાત્રે જંગલી જનાવરે વૃદ્ધો અને બાળકોને લોહીલુહાણ કર્યા, ગામમાં ભાગદોડ અને ભયનો માહોલ, 15થી વધુ લોકો ઘાયલ

  • August 30, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક અજાણ્યા હિંસક વન્યપ્રાણીના અચાનક થયેલા હુમલાથી સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જ્યારે સમગ્ર ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે આ અજાણ્યા પ્રાણીએ ઘરઆંગણે અને રસ્તા પર ઊંઘી રહેલા લોકો પર એક પછી એક જીવલેણ હુમલા કર્યા હતા. આ ઘાતકી હુમલામાં ખાસ કરીને વૃદ્ધ પુરુષો, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાને કારણે ઈજાગ્રસ્તોના માથા અને શરીરના અન્ય નાજુક ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચીસાચીસ અને ભાગદોડ વચ્ચે ગામલોકો એકઠા થઈ જતાં પ્રાણી અંધારામાં ભાગી છૂટ્યું હતું.


બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. સારવાર હેઠળ રહેલા ૧૫થી વધુ દર્દીઓમાં ૭ વર્ષની બાળકી ગીતાબેન બોરીચાથી લઈને ૬૫ વર્ષના રામાભાઈ ઠાકોર અને રતીબેન આહીર જેવા વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વજાભાઈ આહીર, સાહિલ આહીર, ગુલાબબેન ઠાકોર, ભચીબેન આહીર, રૈયાબેન આહીર, સંતોકબેન કોળી, પ્રભુભાઈ કોળી, કાંતિભાઈ કોળી, હરદેવપુરી ગોસ્વામી, વિપુલભાઈ કોળી, નોઘાભાઈ કોળી અને લખુબેન રબારી જેવા ગ્રામજનો ગંભીર રીતે ઘવાયેલા છે.

આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક વૌવા ગામ ખાતે દોડી ગઈ હતી. સાંતલપુરના આરએફઓ (RFO) રાજેન્દ્રસિંહ વાઘેલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વન વિભાગની ટુકડી ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે. વન અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી વન્યપ્રાણીના પગમાર્ક (પગલાંના નિશાન) મેળવવાની સાથે સાથે સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા પ્રાણીની સચોટ ઓળખ મેળવીને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે આગળની ટેકનિકલ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, હુમલાનો ભોગ બનેલા ગ્રામજનો અને સ્થાનિકોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે હુમલો કરનાર પ્રાણી હડકવાયું શિયાળ હોઈ શકે છે. જોકે, વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી પ્રાણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મેળવેલા પમાર્ક અને અન્ય પુરાવાઓની વૈજ્ઞાનિક તપાસ બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ જંગલી જનાવર, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં વૌવા ગામમાં દહેશતનો માહોલ હોવાથી વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને સુરક્ષિત જગ્યાએ ઊંઘવા માટે અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application