BREAKING NEWS

13 નવેમ્બરે દુનિયાનો અંત આવશે? 1960ના વૈજ્ઞાનિક સંશોધનની આગાહીએ ફરી જગાવી ચર્ચા

  • November 11, 2026 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાનો અંત ક્યારે આવશે તે અંગે વર્ષોથી અનેક આગાહીઓ અને દાવાઓ કરવામાં આવતા રહ્યા છે. હવે ફરી એકવાર 13 નવેમ્બર 2026ની તારીખ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસે પૃથ્વી પર માનવજાતનો અંત આવી શકે છે. જોકે, આ દાવા પાછળ કોઈ પ્રલય કે કુદરતી આફતની આગાહી નહીં, પરંતુ 1960માં પ્રકાશિત થયેલું એક વૈજ્ઞાનિક સંશોધન છે. હકીકતમાં આ સંશોધન માનવ વસ્તીની ઝડપથી વધતી સંખ્યા અંગેની ગણિતીય ગણતરી પર આધારિત હતું. 

વર્ષ 1960માં પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલ 'સાયન્સ'માં 'Doomsday: Friday, 13 November, A.D. 2026' નામનું સંશોધન પ્રકાશિત થયું હતું. આ સંશોધન અમેરિકન વૈજ્ઞાનિક હેઇન્ઝ વોન ફોર્સ્ટર અને તેમના સાથી સંશોધકો પેટ્રિશિયા મોરા તથા લોરેન્સ એમિયોટે તૈયાર કર્યું હતું.

સંશોધકોએ આશરે બે હજાર વર્ષના માનવ વસ્તીના આંકડાઓનો અભ્યાસ કરીને ગણિતીય મોડેલ તૈયાર કર્યું હતું. તેમના મતે માનવ વસ્તી માત્ર સામાન્ય ગતિએ વધી રહી ન હતી, પરંતુ તેની વૃદ્ધિની ઝડપ પણ સતત વધી રહી હતી. જો આ જ ગતિ ભવિષ્યમાં ચાલુ રહે તો 13 નવેમ્બર 2026ના રોજ માનવ વસ્તી ગણિતીય રીતે અનંત સુધી પહોંચી જશે. આ સ્થિતિને તેમણે 'ડૂમ્સડે' નામ આપ્યું હતું. 

આ સંશોધનની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેમાં માનવ વસ્તી વધવાની ગતિ ભવિષ્યમાં પણ એકસરખી રહેશે એવી ધારણા રાખવામાં આવી હતી. પરંતુ સમય જતાં દુનિયામાં સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યાં. શિક્ષણ, શહેરીકરણ, આરોગ્ય સુવિધાઓ અને પરિવાર નિયોજન અંગેની જાગૃતિ વધતાં જન્મદરમાં ઘટાડો થયો.
​​​​​​​
આશરે 1993 પછી વાસ્તવિક વસ્તી વૃદ્ધિ સંશોધનમાં કરવામાં આવેલી આગાહી કરતાં ઓછી રહેવા લાગી. હાલમાં વિશ્વની વસ્તી આશરે 8.3 અબજ છે અને વૈશ્વિક જન્મદર 1960ની સરખામણીમાં અડધાથી પણ ઓછો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ આ સદીના ઉત્તરાર્ધમાં વિશ્વની વસ્તી લગભગ 10 અબજની આસપાસ પહોંચીને સ્થિર થવાની શક્યતા છે. 
નિષ્ણાતોના મતે 13 નવેમ્બર 2026ના રોજ દુનિયાનો અંત આવશે તેવો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. 1960નું સંશોધન વસ્તી વૃદ્ધિના એક ગણિતીય મોડેલ પર આધારિત હતું, કોઈ ચોક્કસ વિનાશની ભવિષ્યવાણી નહોતું. તેથી આ તારીખને લઈને ગભરાવાની જરૂર નથી. આ સંશોધન એટલો બોધ જરૂર આપે છે કે ભૂતકાળના આંકડાઓના આધારે ભવિષ્યની આગાહી કરતી વખતે બદલાતી પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application