સુપ્રીમ કોર્ટે યૌન ગુનાઓ સાથે જોડાયેલા કેસોમાં ચુકાદા લખતી વખતે વધુ સંવેદનશીલતા અને પીડિત કેન્દ્રિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જસ્ટિસ અનિરુદ્ધ બોઝની અધ્યક્ષતાવાળી નિષ્ણાત સમિતિએ રજૂ કરેલી રિપોર્ટ જાહેર કરતાં કોર્ટે કહ્યું કે ન્યાયિક ભાષા એવી હોવી જોઈએ જે પીડિતને ફરીથી માનસિક આઘાતમાં ન ધકેલે.
સેન્સિટિવિટી એન્ડ કમ્પેશન ઇન રાઇટિંગ જજમેન્ટ્સ’ નામની આ રિપોર્ટ દેશભરની ટ્રાયલ કોર્ટોના 125 ચુકાદાઓના વિશ્લેષણ બાદ તૈયાર કરવામાં આવી છે. સમિતિએ નોંધ્યું કે અનેક ચુકાદાઓમાં પ્રોસિક્યુટ્રિક્સ, લાચાર મહિલા, પવિત્રતા ગુમાવી, ‘શિયાળ લુંટાયું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પિતૃસત્તાક માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. તેના બદલે વિક્ટિમ, સર્વાઇવર, કમ્પ્લેનન્ટ, સેક્સ્યુઅલ અસોલ્ટ જેવા તટસ્થ શબ્દો વાપરવાની ભલામણ કરવામાં આવી છે.
સમિતિએ જણાવ્યું કે યૌન ગુનાઓને હવસ તરીકે વર્ણવવાથી ગુનાની ગંભીરતા ઘટે છે. તેથી કોર્ટોએ યૌન હુમલો, યૌન હિંસા અથવા ગુનો જેવા કાનૂની રીતે ચોક્કસ શબ્દો વાપરવા જોઈએ.
રિપોર્ટમાં જજોને ચેતવણી આપવામાં આવી છે કે મોડું ફરિયાદ નોંધાવવી, શરીર પર ઇજા ન હોવી અથવા વિરોધ ન કરવો આમાંથી કોઈ પણ બાબતને સંમતિ તરીકે માનવી નહીં. પીડિત વ્યક્તિઓ આઘાત પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી શકે છે અને તેમની વિશ્વસનીયતા અંગે પૂર્વગ્રહના આધારે નકારાત્મક નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.
સમિતિએ ટ્રાયલ જજોને અપમાનજનક અથવા અતિ દખલકારક જિરહ રોકવા કહ્યું છે, ખાસ કરીને સર્વાઇવરના યૌન ઇતિહાસ સંબંધિત પ્રશ્નો અંગે. સાથે જ પીડિતને બેઠકો, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવી, જુબાની દરમિયાન અનાવશ્યક લોકોને કોર્ટરૂમમાંથી બહાર કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જજોની કાનૂની જવાબદારી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
આ સમિતિ સુપ્રીમ કોર્ટના 10 ફેબ્રુઆરી 2026ના નિર્ણય બાદ રચાઈ હતી. તે નિર્ણય ત્યારે આવ્યો હતો જ્યારે કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના એક વિવાદાસ્પદ આદેશનું સ્વયં સંજ્ઞાન લીધું હતું.