BREAKING NEWS

અમદાવાદમાં યુવકની ધોળા દિવસે છરીના ઘા ઝીંકી જાહેરમાં ક્રૂર હત્યા

  • June 02, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક હચમચાવી દેતી લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ હત્યાકાંડ સામાન્ય નાગરિકોની નજર સામે ખેલાતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે આસપાસના રહીશોના ટોળેટોળાં રોડ પર એકત્રિત થઈ જતાં પોલીસ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે થોડા સમય માટે આસપાસનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી.


સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે, જે મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલા લક્ષ્મીનગરનો રહેવાસી હતો. આજે સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ હરેશ પોતાના ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગુલબર્ગ સોસાયટી પાસે સમય પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને હરેશ સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે અંતે લોહિયાળ ખેલમાં પરિણમી હતી.


હુમલાખોરો કોઈ પણ પ્રકારના ડર વગર અચાનક જ તીક્ષ્ણ છરીઓ કાઢીને હરેશને મારવા માટે તેની પાછળ દોડ્યા હતા અને જાહેર રોડ ઉપર જ તેના પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પોતાનો જીવ બચાવવા માટે હરેશ લોહી નીતરતી હાલતમાં રોડ પર દોડ્યો હતો, પરંતુ શરીરમાંથી અતિશય લોહી વહી જવાને કારણે તે અસારવા ગુજરાતી સ્કૂલ નજીક ગુલબર્ગ સોસાયટીની બહાર મુખ્ય માર્ગ પર જ ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.


જાહેર રોડ ઉપર જ ભાઈની નિર્મમ હત્યા કરી દેવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવેલી બહેન અને પરિવારજનો દ્વારા ભારે આક્રંદ કરવામાં આવ્યું હતું. બહેનની કરુણ કકળાટથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ભારે રોષ અને રોકકળ સાથે પરિજનોએ હત્યારાઓને વહેલી તકે પકડીને કડક સજા અપાવવાની અને ન્યાયની માગ કરી છે. જાહેર માર્ગ પર ધોળા દિવસે આ પ્રકારે બેખોફ બનીને હત્યાની ઘટનાને અંજામ અપાતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.


આ લોહિયાળ ખેલ અંગે કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા જ મેઘાણીનગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રોડ પર જમા થયેલા અને ઉશ્કેરાયેલા લોકટોળાંને સમજાવીને વિખેરી નાખ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે હાઈવે અને આસપાસનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.


આ કરપીણ હત્યા કયા અંગત મનદુઃખ, નાણાકીય લેણદેણ કે જૂની અદાવતના કારણે કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી, અસારવા ગુજરાતી સ્કૂલ, ગુલબર્ગ સોસાયટી અને આજુબાજુના મુખ્ય માર્ગો પર લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જે કર્યા છે. ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા હત્યારાઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application