પાટણવાવના ભાડેર ગામે વાડીએ વીજવાયર બદલાવતી વેળાએ ધોરાજીના પીપળીયા ગામે રહેતા યુવાનનું વીજશોક લાગતા મોત થયું હતું. જે અંગે મૃતક યુવાનના પિતાની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસ મથકમાં ઉપલેટામાં સાગર ચંદ્રવાડીયા નામની પેઢી ચલાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જીવલેણ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના પીપળીયા ગામે રહેતો વિશાલ દીપકભાઈ વાઘેલા(ઉ.વ 28) નામના યુવાનનું ગઈ તારીખ 5/9 ના રોજ ભાડેર ગામે વાડીએ વીજ કરંટ લાગતા મોત થયું હતું. જે અંગે યુવાનના પિતા દિપકભાઈ માધાભાઈ વાઘેલા (ઉ.વ 52) દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ઉપલેટામાં ઈસરા ગામે બસ સ્ટેન્ડ ચોક નજીક રહેતા અને પોતાના નામની જ પેઢી ધરાવનાર સાગર ચંદ્રવાડીયા નામના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દીપકભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જીઆરડીમાં સભ્ય છે અને છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં વિશાલ મોટો હતો. તારીખ ૫/૯ ના બપોરના તેઓ ઘરે હતા ત્યારે ગામના મહેશભાઈ મહિડાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, વિશાલને ઇલેક્ટ્રીક શોક લાગ્યો છે તમે ભાડેર ગામે આવો જેથી દીપકભાઈ તથા મહેશભાઈ અહીં ભાડેર ગામે ગયા હતા. બાદમાં માલુમ પડ્યું હતું કે, તેમનો પુત્ર વિશાલ અહીં વાડીએ થાંભલા પર ચડી સર્વિસ બદલવાની કામગીરી કરતો હતો ત્યારે અહીં ઉપરથી ૧૧ કે.વીની વીજ લાઈન પસાર અને હળવા દબાણવાળી વીજ લાઇન પસાર થતી હોય દરમિયાન તેને વીજશોક લાગતા તે અહીં બેભાન હાલતમાં પડ્યો હતો. બાદમાં 108 મારફત હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર વિશાલ કોન્ટ્રાક્ટર સાગર ચંદ્રવાડીયાના કોન્ટ્રાક્ટમાં પીજીવીસીએલનું ઇલેક્ટ્રીકનું કામ કરતો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પૂરતા સલામતીના સાધનો જેમાં હેલ્મેટ, પ્લાસ્ટિકના મોજા, સેફટી બુટ વગેરે ન આપી કામ કરાવતા આ સમયે તેને વીજશોક લાગતાં તેનું મોત થયું હતું. જેથી બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર સાગર ચંદ્રવાડીયા વિરુદ્ધ તેમણે પાટવાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.