તે મારો મોબાઇલ લીધો છે પાછો આપી દે કહી માથાકૂટ કર્યા બાદ પત્નીની નજર સામે અગાશી પરથી ધક્કો મારી દીધો: આરોપીની ધરપકડ
રાજકોટમાં કેકેવી હોલ પાસે નેપાળી યુવાનની મબાઇલની બબાલમાં હત્યાના કલાકોમાં શાપરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. મોબાઈલ ચોરીનો આળ મૂકી પરપ્રાંતિય શ્રમિકને અગાશી પરથી નીચે ફેંકી દેવાયો હતો. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે મામલે પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટની ભાગોળે શાપર(વે.) માં રહેતી પુજાદેવી શ્રવણકુમાર ધુખન તાંતી(ઉ.વ.૨૬) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મિતન સિકંદર તંતિ (રહે. ટીલાળા ગેટ, શાપર મૂળ રહે. ભાગલપુર, બિહાર)નું નામ આપ્યું છે. પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી તેના પતિ અને બાળકો સાથે અહીં રાજ મેટલ કારખાનાની ઓરડીમાં રહે છે. સંતાનમાં ચાર દીકરા તથા બે દીકરી છે. જેમા સૌથી મોટો દીલખુશ, તેનાથી નાની કાજલકુમારી, તેનાથી નાની શીવાનીકુમારી, તેનાથી નાનો ગોલુ, તેનાથી નાનો લવકુશ અને સૌથી નાનો આયુષકુમાર છે.
ગઇ તા. ૦૪૦૩૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે તે તથા તેના પતિ શ્રવણ અને બાળકો અમારી ઓરડીએ હતા. ત્યારે ત્યા મે એક વ્યકિત આવેલ અને તેણીના પતિને કહેલ કે, તે મારો મોબાઇલ ફોન લીધો છે, પાછો આપ કહી માથાકુટ કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીના પતિએ આ વ્યકિતને કહેલ કે, મેં મોબાઇલ ફોન લીધેલ નથી તેમ કહેતા છતા આ શખસે ઝઘડો કર્યેા હતો. જેથી ફરિયાદી છોડાવા જતા તથા પાડોશમાં રહેતો અખિલેશકુમાર યાદવ પણ ત્યા આવી ગયેલ અને તે પણ છોડાવવાનો પ્રયત્ન કરતો હતો. દરમિયાન આ શખસ ફરિયાદીના પતીને ઓરડીની બહાર લઈ જઈ અગાશી ઉપરથી ધક્કો મારી નીચે પછાડી દઇ આ શખસ અહીંથી નાસી ગયો હતો. નીચે જઇ જોતા યુવાનને માથામાં તથા મોઢા ઉપર ઈજાઓ થયેલ હતી અને લોહી નીકળતુ હતુ. દરમિયાન સ્થાનિકો એકત્રિત થઇ જતા એમ્બયુલન્સ બોલાવી અમે બધા યુવાનને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.મહિલાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે રાત્રીના મારા પતિના રીપોર્ટ કરાવી બાદ તેના પતિને વધારે ઇજાઓ થયેલ હોય જેથી પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર કરાવવી હોય પરંતુ રાત્રીનો સમય હોય જેથી પતિને શાપર ઓરડીએ લઇ આવેલ હતી. બાદ પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવારમાં લઇ જઇએ તે પહેલાં જ રાત્રીના આશરે ચાર વાગ્યે યુવાનનું માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપયું હતું. જેથી તેના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા.