આજીડેમ ચોકડી પાસે રહેતો યુવાન અહીં કરિયાણાની દુકાન પાસે મોબાઇલમાં તેના ભાઈ સાથે વાત કરતા સમયે ગાળાગાળી કરતો હોય દરમિયાન અહીં ઊભેલી મહિલાને ગેરસમજ થતા તેણે તેના પતિને વાત કરી હતી. બાદમાં મહિલાના પતિએ યુવાન સાથે માથાકૂટ કરી તેને પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે કનૈયા હોટલ પાન પાછળ રહેતો અશ્વિન ભનુભાઈ ગઢાતરા (ઉ.વ. 25) નામનો કોળી યુવાન ગઈકાલ રાત્રિના 8:30 વાગ્યા આસપાસ આજીડેમ ચોકડી નજીક મુરલીધર કરિયાણાની દુકાન પાસે શેરીમાં મોબાઇલ ફોનમાં તેના ભાઈ સાથે વાત કરતો હતો. દરમિયાન તે ગાળાગાળી કરતો હોય ત્યારે અહીં કરિયાણાની દુકાન પાસે એક મહિલા ઉભી હોય તેને એવી ગેરસમજ થઈ હતી કે અશ્વિન તેને ગાળો આપી રહ્યો છે. જેથી તેણે પોતાના પતિ સિકંદરને આ વાત કરી હતી.
બાદમાં સિકંદરે અહીં આવી યુવાનને ગાળો કેમ બોલે છે? તેમ કહ્યું હતું જેથી યુવાને કહ્યું હતું કે, હું ફોનમાં મારા ભાઈ સાથે વાત કરું છું તમારી પત્નીને મેં કંઈ કહ્યું નથી. પરંતુ તેમ છતાં સિકંદરે યુવાન સાથે ઝઘડો કરી નેફામાંથી છરી કાઢી યુવકને પેટનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. યુવાન કારખાનામાં મજૂરીકામ કરતો હોવાનું અને ત્રણ ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application