ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશન બાબતે વકરેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો કરનાર કાકા-ભત્રીજાને પોલીસે દીવથી ઝડપી લીધા છે.
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અભી સોરઠીયાનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. ગોંડલના ભોજરાજપરા શેરી નં. 13/10માં રહેતા અને કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ ભુવા (ઉ.વ. 31) એ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે 'અયાન ટ્રેડિંગ કંપની' પેઢીમાંથી રૂ. 15,07,000/- નું આર.ટી.જી.એસ. કરાવ્યું હતું, પરંતુ નક્કી થયેલું કમિશન અને રકમ પરત ન આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
ગત તા. 06/09/2026 ના રોજ રાત્રિના સમયે ગોંડલ-જેતપુર રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે ઉઘરાણી કરવા ગયેલા યુવાન પર આરોપી અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ સોરઠીયા અને હરેશભાઈ વિઠ્ઠલભાઈ સોરઠીયા ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી, ગાડીમાંથી હથિયાર કાઢી તેના વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૫૧(૩), ૧૧૫(૨), ૨૬૬, ૪૫ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય અને રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચના તેમજ ગોંડલ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. બ્રાન્ચ અને ગોંડલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નાકાબંધી તોડી દીવ ભાગી ગયેલા બંને આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસે નંબર પ્લેટ વગરની થાર ગાડી કબજે કરી, જે સ્થળેથી હથિયાર કાઢવામાં આવ્યું હતું ત્યાં આરોપી અભી સોરઠીયાને સાથે રાખી ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતો મેળવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય લોકો સાથે પણ નાણાકીય બાબતોમાં ગેરરીતિ કે છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતાને પગલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application