રાજકોટ શહેરના કાલાવડ રોડ જડુસ રેસ્ટોરન્ટ નજીક આંબેડકરનગરમાં રહેતા યુવકે ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ જડુસ રેસ્ટોરન્ટ નજીક આંબેડકરનગરમાં રહેતો રાહુલ રમેશભાઈ પરમાર (ઉ.વ.28)ના યુવકે રાત્રીના આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે પંખાના છતના હૂંકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકના માતા-પિતા ખરીદી કરવા માટે ગયા હતા અને બહેન નીચેના રૂમમાં હતી, માતા પિતા ખરીદી કરીને આવ્યા બાદ પુત્રને જમવા માટે બોલાવવા જતા દરવાજો ખોલતો ન હોવાથી બારીમાંથી જોતા લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા પડોશીઓ સહિતના દોડી આવ્યા હતા અને દરવાજો તોડી બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહીઓ કરી હતી. આપઘાત કરનાર યુવક એક ભાઈ બહેનમાં મોટો હતો અને પિતા સાથે કડિયાકામની મજૂરી કરતો હતો. તેણે ક્યાં કારણોથી પગલું ભર્યું એ અંગે પરિવાર પણ અજાણ હોય. પોલીસે તપાસ યથાવત રાખી છે.