અમદાવાદ શહેરના બોપલ-શીલજ વિસ્તારમાં ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. શીલજ સર્કલ નજીક પૂરઝડપે દોડતી લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલકે રેપિડો બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બાઈક પર સવાર હર્ષદ પુરબિયા નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર કારનો ચાલક ભાજપના ધારાસભ્યનો ભત્રીજો હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ૫૦ વર્ષીય પ્રદીપ ડરવાલ પાર્ટ-ટાઇમ રેપિડોમાં મોટરસાઇકલ ચલાવે છે. ૧૧ નવેમ્બરના રોજ વહેલી સવારે તેઓ રાઈડ માટે નીકળ્યા હતા. ઘાટલોડિયા ખાતે એક પેસેન્જરને ઉતાર્યા બાદ તેમને શીલજ સર્કલ તરફની નવી રાઈડ મળી હતી, જેમાં તેમણે હર્ષદ પુરબિયા નામના યુવકને પોતાની મોટરસાઇકલ પર બેસાડ્યા હતા. પ્રદીપભાઈ હર્ષદભાઈને લઈને શીલજ સર્કલથી થોડા આગળ પહોંચ્યા જ હતા કે પુરઝડપે આવી રહેલી રેન્જ રોવર કારના ચાલકે પાછળથી કે બાજુમાંથી ગંભીર ટક્કર મારી દીધી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે પ્રદીપભાઈ અને હર્ષદભાઈ બંને રોડ પર ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને રેન્જ રોવર કારનો ચાલક રોકાવાને બદલે ત્યાંથી ઝડપથી નાસી છૂટ્યો હતો. જોકે, ત્યાં હાજર આસપાસના લોકોમાંથી એક જાગૃત નાગરિકે નાસી રહેલી રેન્જ રોવર કારનો નંબર નોંધી લીધો હતો અને પ્રદીપભાઈને આપ્યો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષદભાઈને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં હર્ષદભાઈને બચાવી શકાયા ન હતા અને માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે હર્ષદભાઈના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક હર્ષદભાઈના પરિવાર તરફથી અને રેપિડો ચાલક પ્રદીપભાઈ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં કારના નંબરના આધારે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રદીપભાઈ દ્વારા આપવામાં આવેલા કારના નંબરના આધારે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે આ લક્ઝુરિયસ રેન્જ રોવર કાર બાપુનગર વિસ્તારના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની માલિકીની છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર રાઘવેન્દ્ર કુશવાહની કાર સાથે ધરપકડ કરી લીધી હતી.
આ ગંભીર હિટ એન્ડ રન અને હત્યા સમાન કેસમાં પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરી દીધા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ન્યાયપ્રિય નાગરિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.