જામકંડોરણાના હરીયાસણ યુવક સાથે પાંચ લાખની છેતરપિંડી: બે સામે ગુનો નોંધાયો
જામકંડોરણાના હરીયાસણ યુવક સાથે પાંચ લાખની છેતરપિંડી: બે સામે ગુનો નોંધાયો
September 25, 2026 02:13 PM
જામકંડોરણાના હરીયાસણ ગામે રહેતા યુવાન સાથે રૂ.પાંચ લાખની છેતરપિંડી થયા અંગે પોલીસ બે શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધંધામાં જરૂરિયાત હોવાનું કહી યુવાન પાસેથી રૂ.૫ લાખની રકમ એક મહિના માટે લઇ બાદમાં રકમ પરત ન આપી છેતરપિંડી કરી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંન્ને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે જામકંડોરણાના હરીયાસણ ગામે રહેતા ભવદીપકુમાર બટુકભાઇ પરમાર(ઉ.વ. ૨૬) નામના યુવાન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રજનીકાંત સુરેશભાઇ સારીખડા(રહે. સોડવદર તા. જામકંડોરાણા), હીતેષ ભરતભાઇ સોલંકી(રહે. ખજુરડા, તા. જામકંડોરણા) ના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે બીએનએસની કલમ ૩૧૮(૪), ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રજનીકાંતે તેની પાસેથી તેને ધંધામાં પૈસાની જરૂરિયાત હોવાનું કહી એક મહીના માટે રૂ.૫ લાખની રકમ આપવા માટે કહ્યું હતું જેથી યુવાને આ શખસની વાત પર વિશ્વાસ કરી તેને રૂ.૫ લાખ આપ્યા હતાં. બાદમાં આ આરોપીના કહેવા મુજબ તેણે આ રકમ આરોપી હીતેષ સોલંકીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. હિતેષના નામનો તા.૧૫/૧૧/૨૦૨૫ ના કરાર કરી આપ્યો હતો. બાદમાં આરોપી હિતેષે તા. ૧૭/૧/૨૦૨૬ ના સેલ્ફ ચેક આપ્યો હતો. ત્યારબાદ તા. ૨૨/૫/૨૦૨૬ ના બંને આરોપીએ પૈસા પરત આપવાનો કરાર કરી આપ્યો હતો. બાદમાં ફરિયાદીને રકમ પરત આપવા માટે ચેક આપ્યા હતાં. પરંતુ આજદિન સુધી ફરિયાદીની રકમ પરત ન ચૂકવી યુવાનને વિશ્વાસમાં લઇ તેની પાસેથી રકમ મેળવી પરત ન આપી છેતરપિંડી કરી હોય જેથી યુવાને બંને શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ. વી.પી.હુણ ચલાવી રહ્યા છે.