સુરતના અડાજણ વિસ્તારમાં શેર માર્કેટના નાણાકીય વ્યવહારો અને નુકસાનની અદાવતમાં એક ચોંકાવનારી અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. અડાજણના એલ.પી. સવાણી રોડ પરથી એક યુવકનું બ્લેક કલરની ફોર વ્હીલ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણકર્તાઓ દ્વારા તેને છોડવાના બદલામાં 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગંભીર ગુનાના પગલે સુરત પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને અપહૃત યુવકને બચાવવા માટે વ્યાપક સ્તરે તપાસ શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અડાજણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ત્વરિત કામે લાગી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આસપાસના વિસ્તારોના 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસ્યા હતા, જેના આધારે અપહરણકર્તાઓનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. સુરત પોલીસે સતર્કતા દાખવીને મહારાષ્ટ્ર સરહદ તરફ જતાં માર્ગો પર સઘન વોચ ગોઠવી દીધી હતી.
મહારાષ્ટ્રના પુણે-અહલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ પાસેથી અડાજણ પોલીસે સફળ અને સાહસિક ઓપરેશન પાર પાડીને અપહૃત યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના પુણે શહેરના રહેવાસી રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદે નામના ત્રણ મુખ્ય ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. આ અપહરણની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી મહારાષ્ટ્ર પાસિંગની બ્લેક કલરની ફોર વ્હીલ કાર પણ પોલીસે કબ્જે કરી છે.
સુરત પોલીસે સમયસૂચકતા, ઉત્કૃષ્ટ ટેક્નિકલ સપોર્ટ અને આક્રમક અભિગમ અપનાવીને અપહરણ થયેલા યુવકને હેમખેમ ઉગારીને પરિવારજનોને સોંપ્યો છે. આ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએલ) 2023ની સંબંધિત કલમો હેઠળ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.