BREAKING NEWS

પ્રકાશના પર્વમાં જ પરિવારમાં અંધકાર છવાયો, ફટાકડા ફોડવાની ના પાડતા યુવકની બરેહમીથી હત્યા, જુનાગઢમાં ખેલાયો ખૂની ખેલ

  • October 21, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં દિવાળીના પર્વ પર ચાર-ચાર હત્યાના બનાવો બાદ જુનાગઢમાં પણ યુવાનની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે દિવાળીના દિવસે જ રાતે ફટાકડા ન ફોડવા જેવી નજીવી બાબતે મહિલા સહિત ત્રણથી વધુ શખ્સો યુવક પર પાઈપ, ધોકા, લાકડી સાથે તૂટી પડ્યા હતા. આથી યુવક લોહીલૂહાણ હાલતમાં જ ઢળી પડ્યો હતો. યુવક હોસ્પિટલ પહોંચે એ પહેલા જ દમ તોડી દીધો હતો. જોકે પોલીસે મહિલા સહિત ત્રણ શકમંદોની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે


આ હત્યાના કારણે અગાઉ ભાઈને ગુમાવી ચૂકેલા અને પિતાનું નિધન થતાં એકલા રહેતા દિવ્યેશના વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, જુનાગઢમાં મોડીરાત્રે મધુરમ વિસ્તાર નજીક રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે અમુલ એપાર્ટમેન્ટ નજીક ફટાકડા ફોડવાની બાબતે 28 વર્ષીય દિવ્યેશ ચુડાસમાની અમુલ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ દિવ્યેશ પર લાકડી, પાઇપ અને ધોકા વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં મૃતક દિવ્યેશનો મિત્ર નિશિત રાહુલભાઈ વાઘેલા નામનો યુવક પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગવાથી તે લોહીલુહાણ થયો હતો.​


હોસ્પિટલ પહોંચે એ પહેલા મોત

આરોપીઓએ કરેલા ઘાતક હુમલાને કારણે યુવક દિવ્યેશ ચુડાસમા ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો. ઘટનાની જાણ થતાં જ મધુરમ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ યુવકની સારવાર શરૂ થાય તે પહેલા જ રસ્તામાં જ તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.​


પોલીસે ગણતરીની મિનિટોમાં શકમંદોની ધરપકડ​ કરી

મધુરમ વિસ્તારમાં બનેલી આ હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના Dy.SP સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો. પોલીસે જે સ્થળે આ ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી અને સ્થાનિકોની પૂછપરછના આધારે ગણતરીની મિનિટોમાં જ આ ગુનાને અંજામ આપનાર એક મહિલા સહિતના ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. ત્રણેય શકમંદોને સી-ડિવિઝન પોલીસ મથકે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.​


દિવાળીની રાત્રે જ યુવકના મોતથી પરિવારમાં અંધકાર છવાયો​

મૃતક 28 વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા તેની માતા સાથે રહેતો હતો અને પ્રાઇવેટ જોબ કરીને ઘર ચલાવતો હતો. આ પરિવાર પર દિવાળીની રાત પહેલા પણ બે મોટી આફત આવી ચૂકી હતી. થોડા સમય પહેલા જ દિવ્યેશના ભાઈએ આત્મહત્યા કરી હતી અને તેના આઘાતમાં પિતાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. બે મા-દીકરા એકલવાયું જીવન જીવતા હતા, ત્યારે હવે દિવાળીની રાત્રે એકના એક પુત્રના અકાળે મોતે વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યા જેવો ઘેરો આઘાત પહોંચાડ્યો છે.​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application