BREAKING NEWS

અમદાવાદમાં પોલીસ લખેલી કાર સાથે નશામાં ધૂત ચાલકે છ વાહનોને ઉડાડ્યા

  • September 14, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં 'પોલીસ' લખેલી નંબર પ્લેટ ધરાવતી એક લક્ઝુરિયસ કારના નશામાં ધૂત ચાલકે બેફામ અને બેકાબૂ ડ્રાઇવિંગ કરીને રસ્તા પર પાર્ક કરેલા અને પસાર થતા  છ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બોપલના અક્ષરધામ બંગ્લોઝ વિસ્તારમાં રહેતા ફરિયાદી નિશિથ શાહના જણાવ્યા મુજબ, ગત રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે અચાનક ઘર બહાર એક જોરદાર ધડાકો સંભળાયો હતો. જ્યારે તેમણે બહાર આવીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે એક બેકાબૂ કારે તેમની ડસ્ટર કાર સહિત કુલ બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અનેક વાહનોને ટક્કર માર્યા બાદ આખરે આ કાર અટકી હતી.

અકસ્માત સર્જાયાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોના ગંભીર આક્ષેપ મુજબ કારચાલક અતિશય નશાની હાલતમાં હતો અને તેને બરાબર ઊભું પણ રહેવાતું નહોતું. કારની નંબર પ્લેટ પર 'પોલીસ' લખેલું જોઈને રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો અને બોપલ પોલીસને તેની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નશામાં ધૂત કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની ધરપકડ કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર પ્રકરણમાં બોપલ પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કાર પર સ્પષ્ટપણે 'પોલીસ' લખેલું નજરે પડે છે, છતાં પ્રાથમિક વિગતો મુજબ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાની ચર્ચા છે. પકડાયેલ કારચાલક ખરેખર કોઈ પોલીસ કર્મચારી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ ખાનગી વાહન પર ખોટી ઓળખ વાપરી રહી હતી, તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. આ અસ્પષ્ટતાને કારણે સ્થાનિક રહીશોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે અને લોકો નશાખોર ચાલક સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહીની માગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application