રાજકોટ શહેરના મવડી ફાયર બ્રિગેડ પાસે અમરનગરમાં રિક્ષાચાલક યુવાનને પાડોશી શખસે કૂતરાને બાંધવાની ચેન વડે માર મારી બાદમાં તેના પર જર્મન શેફર્ડ કૂતરાને છોડી મૂકતાં યુવાનને બચકાં ભરી લીધાં હતાં. ત્યારબાદ યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવાન પર પાડોશી શખસે હુમલો કર્યો હતો, જે અંગે યુવાનની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મવડી પ્લોટ ફાયર બ્રિગેડની સામે વૃંદાવન એસ્ટેટની બાજુમાં અમરનગર શેરી નંબર-૧ માં રહેતા કિશન રમેશભાઈ મેવાડા (ઉં.વ. ૩૪) નામના રિક્ષાચાલકે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા દીપ કૃષ્ણસિંહ જાડેજાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સાતેક વાગ્યા આસપાસ તે પોતાની રિક્ષામાં બેઠો હતો ત્યારે શેરીમાં રહેતો દીપ પોતાનું જર્મન શેફર્ડ કૂતરું લઈને તેની પાસે આવ્યો હતો અને યુવાનને ગાળો દેવા લાગ્યો હતો. જેથી યુવાને કેમ ગાળો આપે છે તેમ કહેતાં તેણે કહ્યું હતું કે, તું ક્રાઈમ બ્રાન્ચમાં મારી બાતમી આપે છે, અગાઉ મોબાઈલ બાબતે પણ અમને ખોટી રીતે હેરાન કર્યા હતા. તેમ કહી દીપે તેની પાસે રહેલી કૂતરાની ચેનથી યુવાનને મારવા લાગ્યો હતો, જેથી યુવાન નીચે પડી ગયો હતો.
બાદમાં તેણે જર્મન શેફર્ડને યુવાન પર છોડી મૂકતાં તેણે યુવાનને શરીરમાં બચકાં ભરી લીધાં હતાં. યુવાન બચવાની કોશિશ કરતો હતો ત્યારે દીપ તેને સાંકળથી માર મારતો હતો. યુવાન જેમ-તેમ કરી કૂતરા અને દીપથી બચીને ઘરમાં જતો રહ્યો હતો. બાદમાં દીપે ઘર પાસે આવી યુવાનની પત્નીને ગાળો દેવા લાગ્યો હતો.
દરમિયાન અહીં અન્ય લોકો એકત્ર થઈ જતાં દીપ કૂતરું લઈને જતો રહ્યો હતો. ત્યારબાદ યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે પાડોશી શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.