દિવાળીનું પર્વ નજીક છે એ પૂર્વે રાજકોટમાં વધુ હત્યાનો બનાવ નોંધાયો છે. કુબલિયામાં પરામાં પૈસાની ઉઘરાણીમાં મામા ઉપર ભાણેજે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. બીમારીના કારણે મામાએ ભાણેજ પાસેથી રૂ.60 હજાર ઉછીના લીધા હતા જે પૈસાની ઉઘરાણી કરી ત્રણેય ભાણેજોએ બોલાચાલી કરી મારકૂટ કરી હતી જેમાંથી એક ભાણેજે છરીનો ઘા પડખામાં મારી દેતા યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના પગલે થોરાળા પોલીસ દોડી ગઈ હતી અને હત્યા કરનાર ત્રણેય ભાણેજોની શોધખોળ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરાળા મેઇન રોડ પર કુબલીયાપરામાં ચારબાઈ માતાજીના મઢની સામે રહેતા ચીનાભાઈ હરીભાઈ જાડેજા (ઉં.વ.૫૨)ના ગઈકાલે ઘર નજીક આવેલી પાનની દુકાને હતા ત્યારે તેના ભાણેજો કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર તને બંને ભાઈઓ વિજય અને અમીત ઉર્ફે હોજરી ત્યાં આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી ઝગડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન કમલેશ ઉર્ફે યોગાએ છરી કાઢી હુમલો કરતા તેનો ઘા પડખામાં લાગી જતા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી, ઘવાયેલા આધેડ ભાનમાં હોવાથી બનાવ અંગે પોતે જ થોરાળા પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે, આજથી સાતેક મહિના પહેલા મારી બિમારીની સારવાર કરવા મારે પૈસાની જરૂરત હોવાથી મેં મારા સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર (રહે. કુબલીયાપરા) પાસેથી હાથ ઉછીના રૂ.૬૦,૦૦૦ લીધા હતા.
આ પૈસાની અવાર-નવાર ઉઘરાણી કરતો હોય આથી તેને કહ્યું હતું કે, પૈસા હાલ મારી પાસે પૈસા નથી. જ્યારે થશે ત્યારે આપી દઈશ. તા.૨/૧૧ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે કુબલીયાપરામાં ચંદ્રીકાપાન પાસે હતો ત્યારે મારા સગા ભાણેજ કલમેશ ઉર્ફે યોગો તથા તેના બંને ભાઈ વિજય રાજેશભાઈ પરમાર અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર આ ત્રણેય ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમને ૬૦,૦૦૦ આપ્યા છે તે કેમ પાછા આપતા નથી, કહી બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યા હતા. અને ગડદા પાટુનો મારમારી ભાણેજ કમલેશ ઉર્ફે યોગાએ નેફામાંથી છરી કાઢી હુમલો કરતા છરીનો પડખામાં લાગી ગયો હતો.
આથી લોહી નીકળવા લાગતા પરિવારજનો ત્યાં આવી ગયા હતા અને આ ત્રણેય ભાઈઓ ભાગી ગયા હતા. લોહી નીકળતી હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવતા સર્જરી કરવામાં આવી હતી. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા યુવકની ફરિયાદના આધારે થોરાળા પોલીસે ગઈકાલે જ સારવારમાં રહેલા ચીનાભાઈ હરીભાઈ જાડેજા (ઉં.વ.૫૨) ની ફરિયાદ પરથી ભાણેજો કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર, વિજય રાજેશભાઈ પરમાર અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ દરમિયાન ચનાભાઈનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસે ત્રણેય સામે હત્યાની કલમનો ઉમેરો કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો હતો.