BREAKING NEWS

જામનગર: જાખર પાટીયા પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે એક પકડાયો : બે ફરાર

  • November 04, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જાખર પાટીયા પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે એક પકડાયો : બે ફરાર

૫ લાખનો મુદામાલ કબ્જે : શાંતીનગર, ત્રણ દરવાજા અને નાગનાથ ગેઇટ પાસે દારૂ અંગે દરોડામાં ચાર ઝબ્બે 

જામનગરમાં શહેર અને નજીક વિદેશી દારૂ અંગે જુદા જુદા ૪ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ૫ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે, ૩ને ફરાર જાહેર કર્યા છે, આ દરોડામાં કુલ ૨૯૨ નાની મોટી બોટલો અને ૨૦ બિયરના ટીન કબ્જે કર્યા છે, જાખર પાટીયા નજીક એક શખ્સને ૨૧૬ બોટલ અને ગાડી મળી પાંચ લાખના મુદામાલ સાથે મેઘપર પોલીસે પકડી લીધો છે, આ ઉપરાંત શાંતીનગર, ત્રણ દરવાજા રોડ, નાગનાથ ગેઇટ નજીક દરોડા પાડયા હતા. 

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારના કેસ શોધી કાઢવા અને આ પ્રકારની પ્રવૃતી કરનારા ઇસમોને પકડી પાડવા સુચના કરતા મેઘપર પડાણા પીઆઇ એ.એમ. બારસીયા તથા ઇન્ચાર્જ પીઆઇ ગઢવીના આદેશ અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના વિક્રમસિંહ, મહિપાલસિંહ, જયરાજસિંહને બાતમી મળેલ કે જાખર પાટીયા તરફ સ્વીફટ ગાડી નં. જીજે૩૭બી-૭૪૭૦ માં એક ઇસમ દારૂ ભરીને આવે છે.

જે હકીકત આધારે જાખર પાસે પુલના કામ પાસે વોચ ગોઠવીને ગાડીને રોકી ચાલકના કબ્જામાંથી નાની મોટી વિદેશી દારૂની ૨૧૬ બોટલ કિ. ૧.૦૫.૮૧૬ તથા ચાર લાખની કિંમતની સ્વીફટ ગાડી કબ્જે કરી જામનગરના કૃષ્ણનગર શેરી નં. ૫માં રહેતા મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેરની અટક કરી હતી. તપાસ દરમ્યાન દારૂ મોકલનાર થાનગઢના કેતન વિરજી પરમાર અને દારૂ ખરીદનાર લાલપુરના સિંગચ ગામના ઇશ્ર્વરસિંહ સદુભા વાઢેરના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરાયા છે.

બીજા દરોડામાં જામનગરના શાંતીનગર-૭ના છેડે રહેતા પૃથ્વીરાજ ચંદુભા જાડેજા નામના શખ્સના મકાને સીટી-બી પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૨ બોટલ તથા બિયરના ૨૦ ટીન મળી કુલ ૧૦૨૧૨નો મુદામાલ કબ્જે લીધો હતો, જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

અન્ય દરોડામાં શાક માર્કેટ ધુંવાવનાકુ, કોળી વાડ ખાતે રહેતા અમિત ઉર્ફે કોટન હિતેશ પારજીયા અને શાક માર્કેટ કુંભારવાડામાં રહેતા હિતશે ઉર્ફે ટીડો કિશોર રોડીયા નામના શખ્સોને ઇંગ્લીશ દારૂની ૫ બોટલ, ૨૪ ચપલા મળી ૧૩૨૦૦ના મુદામાલ સાથે ત્રણ દરવાજા રોડ પરથી પકડી લીધા હતા. 

આ ઉપરાંત કાપડમીલની ચાલી ધરારનગર-૧માં રહેતા સમીર ઉર્ફે ખાન મુસ્તાકખાન અને સમર્પણ વિશાલ હોટલ સામેની ગલીમાં રહેતો ભરત ઉર્ફે ભરતો શૈલેષ ગોસ્વામી આ બંનેને દારૂની હેરાફેરી કરી વેચાણ અર્થે નાગનાથ ગેઇટ પાસે આવેલ માઇલસ્ટોન કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન સીટી-બી પોલીસે પકડી લીધા હતા. શરાબની ૩૫ બોટલ, મોટરસાયકલ મળી કુલ ૧.૩૦.૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application