દિવાળીના પાવન તહેવારોની ઉજવણી પૂર્વે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીની ભેટ સમાન અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધો ત્રણ ટકાનો વધારો કરવાનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ લોકઉપયોગી પગલાથી રાજ્યના કર્મચારી વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના અંદાજે ચાર લાખથી વધુ કાર્યરત સરકારી કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરો મળીને કુલ 8.82 લાખથી વધુ લોકોને સીધો આર્થિક લાભ મળશે. આ વધારાના દાયરામાં માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ જ નહીં, પરંતુ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને તેના અમલીકરણની તારીખ અંગેની આખરી વિગતો ટૂંક સમયમાં જ કેબિનેટની બેઠક બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેને લઈને કર્મચારીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મે 2026માં સાતમા પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ડીએ 58 ટકાથી વધીને 60 ટકાની સપાટીએ પહોંચ્યું હતું. હવે આ નવા ત્રણ ટકાના વધારા સાથે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને સીધું 63 ટકા થઈ જશે.
જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર રૂ.30,000 હોય તો અત્યાર સુધી 60 ટકા લેખે તેમને રૂ.18,000 મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે નવો ત્રણ ટકા વધારો લાગુ થતાં 63 ટકા લેખે રૂ.18,900 મળશે, જેનાથી કર્મચારીના માસિક પગારમાં સીધો રૂ.900નો રોકડ ફાયદો થશે.
કર્મચારીઓની નજર કેબિનેટના નિર્ણય પર
ડીએમાં વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારના આધારે દર મહિને મળતા પગારમાં વધારો થશે. જો સરકાર જુલાઈ 2026થી આ વધારો અમલી બનાવે તો કર્મચારીઓને બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. જોકે, એરિયર્સની ચુકવણી અંગે પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારા ઉપરાંત તહેવારોના માહોલ અને રજાઓને ધ્યાનમાં રાખીને વહીવટી સ્તરે અન્ય એક મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આગામી 9 નવેમ્બરના રોજ રાજ્યમાં સરકારી કચેરીઓ માટે જાહેર રજા રહેશે, જ્યારે આ રજાની ભરપાઈ કરવા માટે 12 ડિસેમ્બરના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખીને નિયમિત કામકાજ હાથ ધરવામાં આવશે. સરકારના આ સમયાંસરના નિર્ણયોથી કર્મચારીઓની દિવાળી વધુ ખુશનુમા અને આર્થિક રીતે રાહતભરી બની રહેશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.