જામનગર: નવા અને જૂના નાગના વચ્ચેના જર્જરિત પુલનું ૨.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ
જામનગર: નવા અને જૂના નાગના વચ્ચેના જર્જરિત પુલનું ૨.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ
November 04, 2026 01:36 PM
જામનગર: નવા અને જૂના નાગના વચ્ચેના જર્જરિત પુલનું ૨.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ
વાહનચાલકો અને ગ્રામજનોને જર્જરિત બ્રિજની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે
જામનગર નજીક આવેલા નવા નાગના અને જૂના નાગના ગામને જોડતો ૭૨ મીટર લંબાઈ ધરાવતો વર્ષો જૂનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેને પગલે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ બંને ગામના રહેવાસીઓ માટે અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો હતો. સ્થાનિકોની રજૂઆત અને જનહિતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ જર્જરિત પુલના સ્થાને નવો મજબૂત બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રૂ.૨.૨૫ કરોડના ભવ્ય ખર્ચે આ નવનિર્માણ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ૭૨ મીટરની લંબાઈ ધરાવતા આ નવા પુલનું નિર્માણ કાર્ય ગુણવત્તાયુક્ત અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે નવા અને જૂના નાગના વચ્ચેનો આ પુલ સ્થાનિક વાહનવ્યવહાર અને દૈનિક અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બ્રિજનું કામ પૂર્ણ થતાં જ બંને ગામો વચ્ચેનું અંતર સરળ બનશે અને સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકોને મોટી રાહત મળશે. તંત્રના જણાવ્યા અનુસાર, નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી પુલને જનતા માટે ખુલ્લો મૂકવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.