જામનગરના વોર્ડ નં.૧૪માં સફાઇ, પાણી લીકેજ અને ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નોની હારમાળા
સરપ્રાઇઝ ચેકીંગમાં કમિશ્ર્નર અને નાયબ કમિશ્ર્નરેે પ્રશ્રોના નિકાલની સ્થળ પર સૂચના આપી
રસ્તા પરના દબાણો અને જર્જરીત મકાનો દૂર કરવા સંબધિત વિભાગના અધિકારીઓને તાકીદ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તથા નાયબ કમિશનર ડી. એ. ઝાલા સહિતના અધિકારીઓ અને ટીમ દ્વારા વોર્ડ નં. ૧૪ના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમ્યાન ઉઠેલા સફાઇ, પાણી લીકેજ અને ભૂગર્ભ ગટરના પ્રશ્રો ઉકેલવા સ્થળ પર સૂચના આપી હતી. આટલું જ નહીં રસ્તા પરના દબાણો અને જર્જરીત મકાનો દૂર કરવા સંબધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
જામ્યુકોના કમિશ્ર્નર અને ડીએમસીએ અધિકારીઓ સાથે વોર્ડના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક પ્રશ્નોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કૃષ્ણા કોલોની શેરી નં. ૫ તથા ૫૮ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાણી લીકેજની સમસ્યાના નિરાકરણ અને સઘન સફાઈ માટે ટીમને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત ભાનુ પંપ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા તેમજ કાનાનગરમાં જેટિંગ મશીન દ્વારા ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા. રસ્તા પરના દબાણો દૂર કરવા સેનિટરી ઇન્સ્પેક્ટરને સતત ફોલોઅપ રાખવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત કૃષ્ણા કોલોનીમાં કચરાના પોઈન્ટ દૂર કરવા તેમજ ફળ વિક્રેતાઓના વિસ્તારમાં સ્વચ્છતા અને હાઈજીન જળવાઈ રહે તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓએ શહેરીજનો સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો. ૫૮ દિગ્વિજય પ્લોટના કેળાં વખાર વિસ્તારમાં સિનિયર સિટીઝનો પાસેથી ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનના સમય અંગે માહિતી મેળવી હતી, જ્યારે કાનાનગર વિસ્તારમાં નાગરિકો પાસેથી સ્વચ્છતા અંગે ફીડબેક લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાનાનગર સ્થિત નંદઘરની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી.
આંગણવાડી વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને બાળકોના સ્વાસ્થ્ય અને તેમની નિયમિત હાજરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાનાનગરમાં ગોકુલ સીટ કવર સામે આવેલા જર્જરિત મકાન અંગે ટી.પી.ઓ. અને એસ્ટેટ શાખાને કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ અંતે શહેરીજનોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા તેમજ મહાનગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો હતો.