BREAKING NEWS

જો તું બીજા સાથે લગ્ન કરીશ તો તારૂ મર્ડર કરી નાખીશ...રાજકોટમાં શિક્ષક-શિક્ષિકાએ લગ્નમંડપમાં ધમકી આપી યુવતીના લગ્ન તોડાવ્યા

  • November 28, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં શિક્ષકે અન્ય શિક્ષિકાની મદદથી યુવતીને ફસાવી તેના ઉપર દુષ્કર્મ આચરી ન્યુડ ફોટા અને વીડિયો મારફત બ્લેકમેઇલ કરી રૂ.૪.૫૦ લાખ પડાવ્યા હતાં. એટલું જ નહીં લગ્નમંડપમાં પહોંચી યુવતી અને તેના પિતા સહિતાને ધમકાવી લગ્ન ફોક કરાવ્યા હતાં. આ અંગે શિક્ષિક અને શિક્ષિકા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ યુવતીના પિતાની ફરિયાદ પરથી આ બંને સામે શાપર પોલીસ મથકમાં ધમકી અંગેનો ગુનો નોંધાયો છે.

રાજકોટમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ રવજી સોલંકી (રહે. માધાપર ચોકડી, રાજકોટ) અને પ્રીતિ ઘેટીયા (રહે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ)ના નામ આપ્યા છે. વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે, પુત્રી ૩૩ વર્ષની છે. દીકરી વર્ષ ૨૦૨૨માં રંગપર ગામમા આવેલ વિપશ્યના શિબીરમાં ગઇ હતી. ત્યારે રાજકોટમાં સાધુવાસવાણી વિસ્તારમાં રહેતા પ્રિતીબેન ઘેટીયા સાથે તેને પરીચય થયો હતો.


મારે આ કન્યા સાથે ઘણા સમયથી સંબંધ છે

તેઓ બંને એકબીજાના ઘરે આવતા જતા હતા. ફરીયાદીનાં દિકરીના તા.૨૩/૧૧/૨૦૨૫ના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલ પાસે પાર્ટી પ્લોટ ખાતે લગ્નનું આયોજન કર્યું હતું. ગઇ તા.૨૨ના તેઓની દીકરીની સગાઇ પણ આ જ પાર્ટી પ્લોટ ખાતે રાખી હતી. બીજા દિવસે લગ્નનું આયોજન હતું. ફરીયાદી તેમજ અન્ય સગા સંબંધી દીકરીના લગ્નમાં હાજર હતા અને તેના લગ્ન ચાલુ હોય તે વખતે રાતના આઠેક વાગ્યાની આસપાસ પ્રિતીબેન ઘેટીયા તથા તેમના મિત્ર મુકેશ સોલંકી ત્યાં પાર્ટી પ્લોટે આવી અને દીકરી તેમજ જાનૈયા હતા ત્યાં આવી બન્ને જણા દીકરીને કહેવા લાગેલ કે, તું તારા લગ્ન મંડપમાંથી બહાર નીકળી જા, જો બીજા કોઇ જોડે લગ્ન કર્યા તો તારૂ મર્ડર કરી નાખીશું, તેમ કહી મુકેશે તેઓના જમાઈને કહેલ કે, મારે આ કન્યા સાથે ઘણા સમયથી સંબંધ છે, તેમ કહી દીકરી વિશે ખરાબ વાતો કરવા લાગ્યો હતો.


ડોશા તારી દિકરીના બીજા કોઈ જોડે લગ્ન કર્યા છે તો પતાવી દઈશ 

ફરીયાદીએ વચ્ચે પડી બંને આરોપીને ગાળો ન બોલવા અને અંહીથી જતા રહેવા માટે સમજાવતા બન્ને તેઓને પણ ગાળો આપી કહેવા લાગેલ કે, ડોશા તારી દિકરીના બીજા કોઈ જોડે લગ્ન કર્યા છે તો પતાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. દેકારો થવા લાગતા આ બન્ને જણા પાર્ટી પ્લોટથી જતા રહેલ હતાં. બંને આરોપીએ ફરીયાદીની દિકરી વિશે ખરાબ વાતો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને પાર્ટી પ્લોટમાં દેકારો થવા લાગતાં જમાઈ તથા તેમના પરીવારના સભ્યોએ દિકરી સાથે લગ્ન નહીં કરવાનો નિર્ણય લઇ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આરોપી મુકેશ હજુ પોલીસ પકડથી દૂર

બે દિવસ પહેલાં યુનિ. પોલીસ મથકમાં પણ આરોપી મુકેશ વિરુદ્ધ દુષ્કર્મની અને પ્રીતિ વિરુદ્ધ તેની મદદગારી કરવાની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી હતી. જેમાં આરોપી પ્રીતિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી મુકેશ હજું પોલીસ પકડથી દૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application